ખાનગીમાં કોરોના રસી માટે આધારકાર્ડ જ મગાતા હોય દેકારો, કાર્ડ કાઢવા ખાસ કેમ્પ યોજાશે

05 March 2021 06:26 PM
Rajkot
  • ખાનગીમાં કોરોના રસી માટે આધારકાર્ડ જ મગાતા હોય દેકારો, કાર્ડ કાઢવા ખાસ કેમ્પ યોજાશે

60થી વધુ વયના અને 4પ થી 60 વર્ષની વયના કો-મોર્બિડ વ્યકિતઓ પાસે આધારકાર્ડ નથી તેની વિગતો મંગાઇ

રાજકોટ તા. 5 :
રાજકોટમાં 60 થી વધુ વયના અને 4પ થી 60 વર્ષના કો-મોર્બિડ વ્યકિતઓને કોરોના રસી આપવાનું ખાનગી-સરકારી હોસ્પિટલોમાં કામ ચાલી રહયુ છે પરંતુ ખાનગી હોસ્પિટલો દ્વારા આવા વ્યકિતઓ પાસેથી માત્ર આધારકાર્ડ જ ઓળખનો પુરાવો માન્ય રાખવામાં આવ્યો હોવાની ફરીયાદ ઉઠી છે. આવી 700 જેટલી વ્યકિતઓ હાલમાં નોંધાઇ છે કે જેમની પાસે આધારકાર્ડ નથી અથવા તો જુના અને સરનામા ફેરફાર વાળા છે. આવી તમામ વ્યકિતઓને નવા આધારકાર્ડ અથવા સુધારાવાળા કાર્ડ કાઢી આપવા માટે કલેકટર રેમ્યા મોહને કેમ્પ કરવા અધિક નીવાસી કલેકટર પરિમલ પંડયાને સુચના આપી હોવાનું જાણવા મળેલુ છે.


રાજકોટ શહેર-જીલ્લામાં 1 લી માર્ચથી 60 થી વધુ વયના અને 4પ થી 60 વર્ષના કો-મોર્બિડ લોકોને ખાનગી-સરકારી હોસ્પીટલોમાં કોરોના રસી આપવામાં આવે છે. કલેકટર દ્વારા ઓળખના પુરાવા માટે આધારકાર્ડ ઉપરાંત ચુંટણી કાર્ડ અથવા લાયસન્સને માન્ય ગણવા સુચના થઇ છે. પરંતુ ખાનગી હોસ્પીટલોમાં આવા લોકો પાસેથી માત્ર આધારકાર્ડ જ માંગવામાં આવે છે. આવા કાર્ડ અંદાજે 700 થી વધુ લોકો પાસે નથી અને આ મુજબની ફરીયાદ કલેકટર પાસે પહોંચતા કલેકટર રેમ્યા મોહને આવી તમામ વ્યકિતઓનો ડેટા મંગાવ્યો છે અને ડેટા મળ્યા બાદ જે તે મામલતદાર વિસ્તારના આવા લોકોને શોધી નવા આધારકાર્ડ કાઢવા અથવા અપડેટ કરેલા કાર્ડ કાઢવાનો કેમ્પ યોજવા માટે અધિક કલેકટર પરિમલ પંડયાને સુચના આપી કામ ઝડપથી પુરુ કરવા સુચના કરી હોવાનું જાણવા મળેલ છે. દરમ્યાન આવા આધારકાર્ડ વિહોણા એવા 700 થી વધુ લોકોમાં સાધુ, સંતો-મહંતો-પુજારીઓ-એકલુ-અટુલું જીવન જીવતા લોકોનો સમાવેશ થતો હોવાનું પણ જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement