વેકસીનેશનની ટકાવારીમાં રાજકોટ ટોચ પર : 31 હજારથી વધુ ડોઝ અપાઇ ગયા

05 March 2021 06:24 PM
Rajkot
  • વેકસીનેશનની ટકાવારીમાં રાજકોટ ટોચ પર : 31 હજારથી વધુ ડોઝ અપાઇ ગયા

સરકારી કેન્દ્રોમાં જ 6પ%થી વધુ રસીકરણ : ગઇકાલે વધુ પ181 નાગરિકે જાગૃતિ દેખાડી : સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન કરતા પૂર્વ ઝોનમાં ઉત્સાહ ઓછો : રવિવારે કામગીરી બંધ રહેશે

રાજકોટ, તા.5
રાજકોટમાં પુરા દેશ સાથે સૌ પહેલો તબકકો 16 જાન્યુઆરીના રોજ શરૂ થયો હતો. ત્યારથી આજ સુધીમાં કુલ 31 હજારથી વધુ લોકોએ પ્રથમ અને બીજા ડોઝ પણ લઇ લીધા છે. ર0 હજાર જેટલા હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર દ્વારા રસી લેવામાં આવી છે. ઉચ્ચ અધિકારી સહિતના વર્ગ દ્વારા બીજા ડોઝ પણ લઇ લેવામાં આવ્યા છે. તાજેતરમાં સીનીયર સીટીઝન અને કોમોર્બીડ દર્દીઓ માટેની ગાઇડલાઇન હેઠળ વિશાળ બીજો તબકકો શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં આ વર્ગમાંથી જ 11 હજારથી વધુ નાગરીકોએ સોમવારથી ગુરૂવાર સુધીના ચાર દિવસમાં ડોઝ લઇ લીધા છે.

શહેરમાં ગઇકાલે 14 ખાનગી અને 24 સરકારી હોસ્પિટલમાં પ્રથમ તબકકામાં 319, પ્રથમ તબકકાના બીજા ડોઝમાં 1038, 60 વર્ષથી મોટી ઉંમરના 3437 અને 4પથી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા 387 સહિત કુલ 5181 નાગરિકે ડોઝ લીધો હતો. તો આજે તા.પના રોજ બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબકકામાં 111, પ્રથમ તબકકાના બીજા ડોઝમાં 290, 60 વર્ષથી મોટી ઉંમરના 19પ0 અને 4પથી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા 196 સહિત કુલ 2547 નાગરીકે ડોઝ લીધાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આમ તો વસ્તીના પ્રમાણમાં સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં ડોઝની સંખ્યા વધારે છે પરંતુ ટકાવારીમાં રાજકોટ ટોચ પર પહોંચ્યુ છે. મહાનગરને આજ સુધીમાં કોવિશિલ્ડ વેકસીનના 55670 ડોઝ મળ્યા છે. ખાનગી અને સરકારી કેન્દ્રોમાં સતત વેકસીનેશન ચાલુ છે, સવારે 9 થી સાંજે 5 સુધીમાં પહોંચતા લગભગ કોઇ લોકોને પરત મોકલાતા નથી તેવું સુત્રો કહે છે. જયાં ફ્રી વેકસીન મળે છે તે સરકારી કેન્દ્રોમાં જ 6પ ટકાથી વધુ ડોઝ દેવામાં આવ્યા છે. તો રૂા.250ના ચાર્જવાળા ખાનગી કેન્દ્રોમાં પણ જાગૃત લોકો વેકસીન લેવા પહોંચી રહ્યા છે.

સતત કામગીરી વચ્ચે રવિવારે આ વેકસીનેશન સતાવાર રીતે બંધ રહેશે પરંતુ હાલની ભીડ અને ઉત્સાહ જોતા જરૂર પડયે વધુ કેન્દ્રો ખોલવા પણ તંત્રની તૈયારી છે છતાં સરકાર દ્વારા ફાળવવામાં આવતા ડોઝના પ્રમાણમાં આગળનું આયોજન કરવામાં આવશે. નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ દરેક કેન્દ્રોની કામગીરીનું સંકલન કરી રહ્યા છે.

જોકે બીજી તરફ મધ્ય અને પશ્ર્ચિમ રાજકોટના આરોગ્ય કેન્દ્રોમાં ડોઝ લેવા આવતા લોકોની સંખ્યા વધુ દેખાઇ રહી છે. એટલ ેકે સામાકાંઠાના પૂર્વ ઝોનમાં હજુ વેકસીન લેવાનો ઉત્સાહ પ્રમાણમાં ધીમો દેખાઇ રહ્યો છે. છતાં હજુ આ સંખ્યા વધશે તેવું લાગી રહ્યું છે.


ઉત્સાહ વચ્ચેની ચિંતાઓ..
ઓનલાઇન નોંધણી છતા ધકકા : SMS મળતા નથી

રાજકોટ, તા. 5
રાજકોટમાં સામાન્ય નાગરિકો માટેનું ગાઇડલાઇન મુજબનું વેકસીનેશન ચાલી રહ્યું છે ત્યારે ખુબ સારી સગવડતા અને સુવિધા વચ્ચે પણ લાભાર્થીને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. ધીમા સર્વર સહિતની સ્થિતિમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનાર કેટલાક નાગરિકને કેન્દ્ર પર ધકકો થતો હોવાનું સામે આવ્યું છે.
સરકારી અને ખાનગી કેન્દ્રો પર આ રસીકરણ ચાલે છે. ગઇકાલે અમુક કેન્દ્ર પર પહોંચેલા લાભાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યાની સમય અને સ્થળ સાથે જાણ કરી હતી પરંતુ જે તે કેન્દ્ર પર ભીડ અને ડોઝની મર્યાદા વચ્ચે તેમનો વારો ન આવ્યો અને બીજે દિવસે ડોઝ લેવા આવવાની સલાહ આપવામાં આવી હતી.
આ કારણે કેટલાક વડીલોને પણ ધકકો થયો હતો. તો પ્રથમ દિવસથી જ અનેક લાભાર્થીને નોંધણી અને વેકસીનેશન બાદ એસએમએસ નહીં મળતા હોવાની ફરીયાદ હજુ ચાલુ છે. આમ તો આધાર સહિતના દસ્તાવેજની નોંધણી પરથી રજિસ્ટ્રેશન થઇ ગયું હોય છે. પરંતુ જે તે નાગરિક પાસે ડોઝનો આધાર રહેતો નથી. આવી પણ અનેક ફરીયાદ આવે છે. 1075 હેલ્પલાઇન પરથી વેકસીનેટરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પરંતુ બાદમાં ભારે ભીડ વચ્ચે કોઇ જવાબ આપી શકતું નથી. જોકે સર્વરના કારણે રાજયકક્ષાએ આ સમસ્યા હોવાનું પણ કેન્દ્રના જવાબદારો કહે છે.


Related News

Loading...
Advertisement