રાજકોટ જિલ્લા સહિત રાજયની સરકારી શાળાઓમાં 18537 ઓરડાની ઘટ

05 March 2021 05:33 PM
Ahmedabad Gujarat
  • રાજકોટ જિલ્લા સહિત રાજયની સરકારી શાળાઓમાં 18537 ઓરડાની ઘટ

બે વર્ષમાં નવી 20 સરકારી પ્રાથમિક શાળાઓ સામે 446 ખાનગી સંસ્થાઓને મંજૂરી : રાજયની 17 શૈક્ષણિક શાળામાં હજુ વિજળીની સુવિધા ન હોવાની કબુલાત

ગાંધીનગર, તા.5
રાજયમાં 30842 સરકારી 570 ગ્રાન્ટેડ અને 10925 ખાનગી શાળાઓ આવેલી છે. જેમાં છેલ્લા બે વર્ષમાં 20 સરકારી પ્રાથમિક શાળાઓને અપાયેલી મંજૂરી સામે 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં 29 ખાનગી શાળાઓને બહાલી આપવામાં આવી છે. રાજય સરકાર શિક્ષણને મોંઘુ કરી ગરીબ બાળકોને લાખો રૂા.ની ફી ભરવી પડે તેવી નીતિ અપનાવી રહ્યાનું રાજય વિધાન સભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂ કરેલા પ્રશ્નોમાં સંકલીત માહિતી રજૂ કરી હતી.

રાજયની સરકારી શાળાઓમાં વર્ષ ર01પમાં ઓરડાઓની જે ઘટ હતી તે વર્ષ 2018માં વધીને ડબલ થયેલ છે. આ સંદર્ભે શિક્ષણમંત્રી ચુડાસમાએ આંકડાકીય માહિતી રજૂ આપેલ પ્રશ્નના જવાબમાં જણાવેલ હતું કે સરકારી શાળાઓના 18537 ઓરડાઓની ઘટ છે. જેમાં રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 449 ઓરડાઓની ઘટ છે. વર્ષ 2019-2020માં રાજયમાં માત્ર 994 ઓરડા જ બનાવવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજયની 17 જેટલી શાળાઓમાં વીજળીની સુવિધા ન હોવાની પણ કબુલાત કરવામાં આવી હતી. જેમાં મોરબીની 5, દેવભૂમિ દ્વારકાની 1, પોરબંદરની 7 અને સોમનાથની 2 શાળાઓને વીજળીની સુવિધા હજુ પુર પડાયેલ ન હોવાનો એકરાર કરવામાં આવેલ હતો. તેમજ રાજયની 5353 સરકારી અને 458 ખાનગી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નથી જેમાં રાજકોટ જિલ્લામાં 115 સરકારી અને 2 ખાનગી શાળાઓ કમ્પાઉન્ડ વોલ વગરની છે. વિધાનસભામાં કોંગી ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં ઉપરોકત સંકલિત માહિતી રજુ થયેલ હતી.


Related News

Loading...
Advertisement