ડિસેમ્બરથી એઈમ્સ લોકો માટે ખુલી જશે: ઓપીડી શરૂ કરી દેવા તૈયારી

05 March 2021 03:55 PM
Rajkot Gujarat
  • ડિસેમ્બરથી એઈમ્સ લોકો માટે ખુલી જશે: ઓપીડી શરૂ કરી દેવા તૈયારી

એઈમ્સના ચાલી રહેલા કામ માટે તમામ ખાતાના ટોચના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજતા જિલ્લા કલેકટર:એઈમ્સ હોસ્પીટલના મુખ્ય બિલ્ડીંગનાં પાંચ પ્લાનમાં કવેરી નીકળતા રૂડા દ્વારા પરત કરાયા: સુધારો કરી ફરી મુકવા સૂચના

રાજકોટ તા.5
ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ રાજકોટ નજીક જામનગર હાઈવે પર પરાપીપળીયા ખાતે એકાદ વર્ષમાં શરુ થવા જઈ રહી છે ત્યારે ડિસેમ્બર માસથી એઈમ્સ હોસ્પીટલમાં આમ પ્રજાજનો માટેની ઓપીડી શરુ કરી દેવામાં આવશે તેવું રાજકોટ એઈમ્સના ટેકનીકલ ડાયરેકટર શ્રમદીપસિંહ સિન્હાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટને આપી છે. રાજકોટ નજીક જામનગર હાઈવે પર પરાપીપળીયાની 200 એકર સરકારી જમીન પર એઈમ્સ હોસ્પીટલ ઉભી કરવા માટે જિલ્લા કલેકટરે 200 એકર સરકારી જમીન ફાળવી દીધા બાદ ત્રણ માસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એઈમ્સ હોસ્પીટલનું ઈ ખાતમુર્હુત કર્યુ હતું. એઈમ્સ હોસ્પીટલનું કામ પુરઝડપે શરુ કરવામાં આવ્યું છે. એઈમ્સ હોસ્પીટલના 18 પ્લાન રૂડા ઓથોરીટીએ મંજુર કરી દીધા છે. રૂડા દ્વારા એઈમ્સ હોસ્પીટલના મુખ્ય બિલ્ડીંગનાં પાંચ વિભાગોના પ્લાન મંજુર કરવા માટે જીડીસીઆરની જોગવાઈ મુજબ જરૂરી ફેરફાર કરવા માટે એઈમ્સ ઓથોરીટીને આ પાંચ પ્લાન પરત કર્યા છે. જેની કવેરી એઈમ્સ ઓથોરીટી દ્વારા સોલ કરીને આખરી મંજુરી માટે રૂડાને પરત કરવામાં આવનાર છે.


એઈમ્સ ઓથોરીટી દ્વારા હાલમાં મંજુર કરવામાં આવેલા પ્લાન મુજબના બિલ્ડીંગોનાં બાંધકામ શરુ કરી દેવામાં આવ્યા છે. આજે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને એઈમ્સ માટેની ચાલી રહેલી કામગીરીની એક રીવ્યુ બેઠક યોજી હતી જેમાં માર્ગ અને મકાન વિભાગ, વિજ કંપની, સિંચાઈ વિભાગ, રૂડા ઓથોરીટી સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓને તેડાવ્યા હતા. એઈમ્સ ઓથોરીટીના શ્રમદીપસિંહ સિન્હા પણ આ મીટીંગમાં સામેલ થયા હતા. એઈમ્સ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર માસથી આમ પ્રજાજનો માટે એઈમ્સ હોસ્પીટલમાં ઓપીડી વિભાગ શરુ કરી દેવામાં આવશે. એઈમ્સના તમામ બિલ્ડીંગ માર્ચ 2022થી ફુલ ફલેઝ શરુ કરી દેવામાં આવશે. પરંતુ એઈમ્સ હોસ્પીટલમાં ઓપીડી વિભાગ ડિસેમ્બર 2021થી ચાલુ કરી દેવામાં આવશે અને આ સંદર્ભે એઈમ્સ ઓથોરીટી દ્વારા આગોતરી તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હોવાનું એઈમ્સના ટેકનીકલ ડાયરેકટર શ્રમદીપસિંહ સિન્હાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતના અંતમાં જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement