જયોતિષીઓના ચક્કરમાં સોની પરિવાર ખુંવાર થયાનો ધડાકો : નવ સામે ગુન્હો

05 March 2021 03:38 PM
Vadodara Crime
  • જયોતિષીઓના ચક્કરમાં સોની પરિવાર ખુંવાર થયાનો ધડાકો : નવ સામે ગુન્હો

સમા પોલીસે નવ જયોતિષીઓ સામે ગુનો નોંધ્યો:મૃતક નરેન્દ્ર સોની સામે પણ પૌત્ર અને પુત્રીને ઝેરી દવા આપીને હત્યા કર્યાનો ગુનો નોંધ્યો:સામુહિક આપઘાતના બનાવમાં નવો જ વળાંક આવતા સમા પોલીસે બચી ગયેલા ભાવિનને ફરિયાદી બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે:નરેન્દ્ર સોની લોકડાઉનમાં પાડોશીઓ પાસેથી પૈસા ઉછીના લઇ પરિવારનું ગુજરાન ચલાવતો હતો:પોલીસે પાડોશીઓની પણ પૂછપરછ કરી:મકાન વહેંચવા કાઢ્યું ત્યારે હેમંત જોશી નામના જ્યોતિશે કહ્યું"તમારે વાસ્તુ દોષ નડે છે તમારા ઘરમાં ગુપ્ત ધન ડાટેલું છે"

રાજકોટ,તા.5
શહેરના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં સોની પરિવાર પાસેથી અલગ-અલગ 9 જ્યોતિષીઓએ 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાથી પોલીસ હવે એ દિશામાં તપાસ હાથ ધરવા કાર્યવાહી શરૂ કરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આર્થિક સંકડામણના કારણે ગત બુધવારે વડોદરાના એક જ પરિવારના 6 સભ્યોને ઝેરી દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. જેમાં સોની પરિવારના ત્રણ સભ્યોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


જેમાં સારવારમાં રહેલા ભાવિન સોનીએ પોલીસનેનિવેદન આપ્યું હતું જેથી તેને ફરિયાદી બનાવ્યો છે.ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે,પિતાએ મંગળબજારમાં મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સ નામની દુકાન ભાડે રાખી હતી.ત્યારબાદ 2018માં પૈસાની જરૂરત ઉભી થતા ગેંડા સર્કલ પાસે આવેલ ફાયનાન્સ કંપની માંથી સાત લાખની લોન લીધી હતી.જેમાંથી અગાઉની લોનમાં ત્રણ લાખ ભરી ભરપાઈ કરી હતી.ત્યારબાદ તેનું મકાન વહેંચવા એક સમાચાર પત્રમાં જાહેરાત આપતા આ સોની પરિવાર જ્યોતિશીઓના ચક્કરમાં ફસાયો હતો. જેમાં વડોદરાના ગોત્રી કેનાલ નજીક રહેતા જ્યોતિષ હેમંત જોશી મુખ્ય છે.તેને સંપર્ક કરીને કહ્યું તમારે વાસ્તુદોષ નડે છે અને તમારા મકાનમાં ગુપ્ત ધન ડાટેલું છે જે ખાડો ખોદીને કાઢવું પડશે.આ સિવાય વડોદરા અને અમદાવાદના મળીને કુલ 9 જેટલા જ્યોતિષીઓએ આ સોની પરિવાર પાસેથી 35 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની વાત સામે આવી છે.


વડોદરાના જ્યોતિષ હેમંત જોશીએ જ આપઘાત કરનારા સોની પરિવારના મોભી નરેન્દ્ર સોનીની ઓળખ અમદાવાદના જ્યોતિષ સ્વરાજ જોશી સાથે કરાવી હતી. આ બન્નેએ ભેગા મળીને સોની પરિવારને આર્થિક સંકડામણથી દૂર કરવાના અને ઘરમાંથી કળશ કાઢવાના રૂ.13.50 લાખ રૂપિયા ખંખેર્યા હતા. આ સિવાય અમદાવાદના જ પ્રહલાદ જોશીએ બે લાખ રૂપિયા અને શહેરના રાણીપમાં રહેતા જ્યોતિષ સમીર જોશીએ વિધિના બહાને 5 લાખ રૂપિયા પડાવ્યા હતા.


જ્યારે સોની પરિવાર પુષ્કર દર્શન કરવા ગયો, ત્યાં પણ જ્યોતિષને 4 લાખ આપ્યા હતા. આ સિવાય પાણીગેટ આયુર્વેદિક ચાર રસ્તા પાસે રહેતા જ્યોતિષ સાહિલ વોરાએ 3.50 લાખ અને અમદાવાદના જ્યોતિષ વિજય જોશી અને અલ્કેશે 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તમામ જ્યોતિષીઓએ સોની પરિવારને વિશ્વાસમાં લઈને વિધિ કરવાના બહાને 35 લાખ રૂપિયા જેટલી મતબર રકમ ખંખેરી લેતા પરિવાર વધુ આર્થિક ભીંસમાં મૂકાયો હતો. જેના પરિણામે તેમને જીવન ટૂંકાવવાનો આખરી રસ્તો અપનાવ્યો હતો.


સોની પરિવારના પડોશીએ તરફથી મળેલી જાણકારી મુજબ, નરેન્દ્ર સોની પહેલા સ્વાતિ સોસાયટીમાં જ 8 નંબરના મકાનના માલિક હતા. લગભગ 2 વર્ષ પહેલા જ તેમણે 25 લાખ રૂપિયામાં આ મકાન વેચી માર્યું હતુ અને નજીકના અન્ય ઘરમાં ભાડે રહેવા લાગ્યા હતા. મકાન વેચવાથી જે 25 લાખ રૂપિયા મળ્યા હતા, તેમાંથી મોટાભાગની રકમ વ્યાજ ચૂકવવામાં જ ખર્ચ થઈ ગઈ હતી.જે થોડા પૈસા બચ્યા હતા, તેમાંથી જ લોકડાઉન દરમિયાન ઘરખર્ચ ચાલી રહ્યો હતો. જે બાદ હવે ઘરમાં રૂપિયો પણ બચ્યો નહતો. ઘર ખર્ચ માટે આ પરિવાર અનેક દિવસોથી પડોશીઓ પાસેથી ઉધાર પૈસા લઈ રહ્યો હતો.


થોડા દિવસ પહેલા ઘર ખર્ચ માટે ભાવિન સોનીએ પોતાનુ સ્કૂટર પણ વેચ્યું હતું જેનાથી મળેલા રૂપિયાથી એક-બે મહિનાનો ખર્ચ નીકળ્યા બાદ 12માં ધોરણમાં ભણતી પુત્રીની સાઈકલ પણ 500 રૂપિયામાં વેચી મારી હતી. સોની પરિવારની આર્થિક સ્થિતિ એટલી બદતર બનતી ગઈ કે આખો પરિવાર તનાવમાં રહેવા લાગ્યો અને આખરે તેમણે અંતિમ પગલું ભર્યું.સોની પરિવારે સામુહિક આપઘાત કરતાં પહેલા 4 પાનાની સ્યૂસાઈડ નોટ પણ લખી હતી.તેમજ ભાવિનની ફરિયાદ પરથી તેના પિતા નરેન્દ્રભાઈ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.તેમને પુત્ર પાર્થને અને બહેનને ઝેરી દવા પીવડાવી મોત નિપજવ્યું હતું.જે બંને ફરિયાદ ને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
કયા જ્યોતિષે કેટલા પૈસા પડાવ્યા?

ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જોષીએ 35 હજાર પડાવ્યા હતા.અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષે રૂ,2 લાખ પડાવ્યા હતા.જ્યોતિષ પ્રહલાદે દિનેશ નામના માણસને મોકલી વિધી કરાવી હતી.અમદાવાદના રાણીપના જ્યોતિષ સમીર જોષીએ રૂ.5 લાખ પડાવ્યા.પુષ્કરના જ્યોતિષે વિધી કરવા માટે રૂ.4 લાખ લીધા હતા.પાણીગેટ વિસ્તારના સાહિલ વોરા નામના જ્યોતિષે રૂ.3.5 લાખ પડાવ્યા.


સોની પરિવાર સાથે 32 લાખની છેતરપિંડી કરનાર આરોપીઓ

વડોદરાના ન્યુ સમાં વિસ્તારમાં સ્વાતી સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ નરેન્દ્રભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હેમંત જોશી,સ્વરાજ જ્યોતિષ,પ્રહલાદ,દિનેશ,સમીર જોશી,સાહિલ વ્હોરા,વિજય જોશી,અલ્કેશ અને અજાણ્યા વ્યક્તિ ના નામ આપતા છેતરપીંડીની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.


Related News

Loading...
Advertisement