જીલ્લા ભાજપમાં ભડકો: ભરત બોઘરા-મનસુખ રામાણીએ હરાવ્યા: કમળાપુર બેઠકનાં હારેલા ઉમેદવારનો પત્ર બોંબ

05 March 2021 03:34 PM
Rajkot
  • જીલ્લા ભાજપમાં ભડકો: ભરત બોઘરા-મનસુખ રામાણીએ હરાવ્યા: કમળાપુર બેઠકનાં હારેલા ઉમેદવારનો પત્ર બોંબ

વલ્લભ રામાણીએ પણ ખુલ્લેઆમ કોંગ્રેસ તરફી કામ કર્યું હતું: નાણાં પણ વહેંચ્યા હતા

રાજકોટ તા.5
રાજકોટ જીલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો જ હતો ત્યારે હવે જસદણની કમળાપુર બેઠક પરથી હારેલા ભાજપી ઉમેદવારે પરાજય માટે ભાજપનાં જ આગેવાનો ભરત બોઘરા તથા મનસુખ રામાણી સામે આંગળી ચીંધતો પત્ર લખતા રાજકીય ખળભળાટ સર્જાયો છે. જિલ્લા ભાજપમાં તેના તિવ્ર પ્રત્યાઘાતો પડવાની અને મામલો પ્રદેશ સુધી પહોંચવાના ભણકારા છે.


જીલ્લા પંચાયતની ચૂંટણીમાં 25 બેઠકો જીતીને ભાજપે બહુમતી હાંસલ કરી હોવા છતાં જસદણ-વિંછીયાની આઠ બેઠકોમાં દેખાવ નબળો હતો. 8 માંથી પાંચ બેઠકોમાં ભાજપ ઉમેદવારો પરાજીત થયા હતા. તે પૈકી કમળાપુર બેઠકના પરાજીત ઉમેદવાર રામભાઈ સાકરીયાએ પત્ર બોંબ ફોડયો છે. તેઓએ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાને સંબોધીને પત્ર લખ્યો છે અને આજે ભાજપ સંગઠન હોદેદારોને સોંપ્યો હતો તેમાં એવો સનસનીખેજ આરોપ મુકયો હતો કે કમળાપુર બેઠકમાં પોતાને હરાવવા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા તથા જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણી ખુલ્લેઆમ મેદાને પડયા હતા. એટલુ જ નહિં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણીએ પણ ભાજપને જીતાડવાને બદલે કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા માટે ખુલ્લેઆમ કામ કર્યુ હતું અને તેમને નાણાંકીય મદદ પણ કરી હતી.


તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જે ગામમાંથી ભાજપને લીડ મળે તેમ હતી ત્યાં અપક્ષ ઉમેદવાર ઉભા રખાયા હતા. કમળાપુર ગામનાં ભરત બોઘરાના વોર્ડમાં પણ કોંગ્રેસને લીડ નીકળી હતી. ભાજપને તેમાં માત્ર 98 મત મળ્યા હતા. વલ્લભ રામાણીના લીલાપર ગામમાં પણ કોંગ્રેસને લીડ નીકળી હતી. મતદાનના દિવસે પણ ખુલ્લેઆમ કોંગ્રેસ તરફી મતદાન કરવા સમર્થકોને આગ્રહ કરતા હતા.ભાજપના આ આગેવાનોએ ભાજપ તરફી પ્રચાર પણ કર્યો હતો. પાર્ટીનાં જ નાના આગેવાનો-કાર્યકરોને પૈસા સહીતની લાલચ આપી વિરૂદ્ધમાં કામ કરવાની સુચના આપી હતી.પત્રમાં એક કહેવાયું છે કે ભાજપના આવા પદાધિકારીઓ પાર્ટી માટે નુકશાનકર્તા બનશે એટલે પદ પરથી હટાવવા જોઈએ.

કમળાપુર બેઠકની અમારી જવાબદારી ન હતી ત્યાં નહિં જવા ખુદ મુખ્યમંત્રીની સુચના હતી
મનસુખ રામાણીનો બચાવ: આક્ષેપો તદ્દન ખોટા છે
જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીએ કમળાપુરનાં પરાજીત ઉમેદવાર રામભાઈ સાકરીયાનાં પત્ર બોંબ વિશે એવો બચાવ કર્યો હતો કે આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. ભાજપનાં જ ઉમેદવારને હરાવવા કામ કરી જ ન શકીએ. બાકી વ્યવસ્થા તંત્ર અગાઉ જ નકકી થઈ ગયુ હતું. સંકલન બેઠકમાં ખૂદ મુખ્યમંત્રીએ કમળાપુર નહી જવાની સુચના આપી હતી. કમળાપુર મારૂ અને ડો.બોઘરાનું વતન છે. છતા અમને ત્યાંની જવાબદારી ન હતી.કમળાપુર સહીત છ બેઠકોની જવાબદારી પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની હતી. અમારે કોઈ લેવાદેવા ન હતી.


Related News

Loading...
Advertisement