પાણીકાપ ઉત્સવ ચાલુ : આવતીકાલે અને સોમવારે વોર્ડ નં.2,7,8,10 અને 11 પાર્ટમાં વિતરણ બંધ

05 March 2021 03:32 PM
Rajkot
  • પાણીકાપ ઉત્સવ ચાલુ : આવતીકાલે અને સોમવારે  વોર્ડ નં.2,7,8,10 અને 11 પાર્ટમાં વિતરણ બંધ

ચૂંટણી પરિણામો બાદ અને પદાધિકારીઓની વરણી પૂર્વે ટેકનીકલ કારણોથી બંધ રહેતી સપ્લાય : આજે પણ વોર્ડ નં.7,14,17માં વિતરણ નહીં

રાજકોટ, તા.5
મહાનગરમાં ચૂંટણી પરિણામો બાદ વાલ્વ રીપેરીંગ, ટાંકાઓની સફાઇ સહિતના ટેકનીકલ કામ મહાપાલિકાએ હાથ પર લઇને વોર્ડવાઇઝ પાણી બંધ રાખવાનું અભિયાન આગળ વધાર્યુ છે. હવે ઇએસઆર-જીએસઆરની સફાઇ માટે તા.6 તથા 8 એમ બે દિવસ વોર્ડ નં. 2 7, 8, 10 અને 11 પાર્ટમાં પાણી બંધ રાખવા નિર્ણય કરાયો છે.મ્યુનિ. કોર્પોરેશનના વોટર વર્કસ શાખા હસ્તકના ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પર તા.6ના રોજ જીએસઆર નં.1 થી 2 તથા તા.8ના રોજ જીએસઆર નં.3, 4 અને પની સફાઇ કામગીરી નકકી કરવામાં આવી છે. તેના કારણે ન્યારી ફિલ્ટર પ્લાન્ટ તથા સોજીત્રાનગર પમ્પીંગ સ્ટેશન આધારે વોર્ડ નં. ર પાર્ટ, 7 પાર્ટ, 8 પાર્ટ, 10 પાર્ટ અને 11 પાર્ટના વિસ્તારોમાં તા.6 તથા તા.8 માર્ચના રોજ પાણી વિતરણ બંધ રાખવા જાહેરાત કરવામાં આવી છે.


હજુ ગઇકાલે ગુરૂવારે જ ગુરૂકુળ હેડવર્કસ હેઠળના વોર્ડ નં.7 પાર્ટ અને 13 પાર્ટમાં નવો બાયપાસ વાલ્વ મુકવાની કામગીરી માટે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. આજે તા.પના શુક્રવારે પણ વોર્ડ નં.7 પાર્ટ, વોર્ડ નં.14 પાર્ટ, વોર્ડ નં.17 પાર્ટમાં પાણી બંધ રાખવામાં આવ્યું છે. આ ઝોનમાં પણ ટેકનીકલ કારણોથી પાણી મળ્યું નથી. તેવામાં હવે આવતીકાલ શનિવાર અને તા.8ના સોમવારે વોર્ડવાઇઝ પાણી બંધ રાખવા નકકી કરી લેવામાં આવ્યું છે.


ગત મહિને યોજાયેલી ચૂંટણી અને તેના જબરદસ્ત પરિણામો વચ્ચે મહાપાલિકાએ આ તમામ ટેકનીકલ કામગીરી પણ બંધ રાખી હતી. લોકોમાં કોઇપણ પ્રકારની નારાજગી ન ફેલાય તે માટે છતે પાણીએ પાણી આપવાનું બંધ કરાયું ન હતું. હવે પરિણામો આવી ગયા બાદ તબકકાવાર અલગ અલગ વોર્ડમાં પાણી બંધ રાખવામાં આવી રહ્યું છે. આગામી સપ્તાહે હજુ વધુ ઝોનમાં પાણી બંધ રહે તેવી શકયતા છે. એક અઠવાડિયા બાદ આવતા શુક્રવારે નવા પદાધિકારીઓની વરણી થવાની છે તે પૂર્વે પાણી કાપનો આ મોટો રાઉન્ડ આવી જાય તેવી ચર્ચા થઇ રહી છે.


Related News

Loading...
Advertisement