જામનગર તા.5: સિક્કા નગરપાલિકા ની ચૂંટણીના પરિણામો આવ્યા પછી ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા સત્તા કબજે કરવા માટેની ભારે કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા સત્તા હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. જો કે સમગ્ર દારોમદાર બે વિપક્ષોના હાથમાં છે.સિક્કા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કોંગ્રેસ નો 14 બેઠકો પર વિજય થયો છે જ્યારે ભાજપ પાસે 12 બેઠકો આવી છે, અને અન્ય બે બેઠકો પર એનસીપીના ઉમેદવારો વિજેતા બન્યા છે. જેથી એનસીપીના ઉમેદવાર જેને સમર્થન આપે તેને સિક્કા નગરપાલિકા કબજે કરવાનો મોકો મળે તેવી સ્થિતિ છે.
કોંગ્રેસ પાર્ટીને સરકાર બનાવવા માટે માત્ર એક સભ્યની જરૂર છે, પરંતુ ભાજપને સત્તા કબજે કરવા માટે ત્રણ સભ્યોની જરુર છે. આવા સંજોગોમાં ભાજપ દ્વારા પણ એનસીપીના 2 સભ્ય ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના સભ્યોને પોતાની તરફ ખેંચવા નો પ્રયાસ થઇ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. અન્યથા કોઈ સભ્યને ગેરહાજર રાખવાની પણ કવાયત ચાલી રહી હોવાનું અત્યંત આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.જેની સામે કોંગ્રેસ દ્વારા પણ સત્તા કબજે કરવા માટે એનસીપીના ઉમેદવારો નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ત્યારે સિક્કા નગરપાલિકા ની સત્તાની કમાન સંભાળવા માટે બંને ઉમેદવારોના હાથમાં હુકમ નો એક્કો છે. જેઓ જેને સમર્થન આપશે તે સિક્કા નગરપાલિકા નું સુકાન સંભાળી શકશે, તેવું ગણિત સર્જાયું છે. ત્યાં સુધી સિક્કામાં ભારે સસ્પેન્સ છવાયેલું રહેશે.