જામનગર શહેરના પ્રથમ નાગરિક અંગેનો ફેસલો બારમી તારીખે

05 March 2021 02:52 PM
Jamnagar
  • જામનગર શહેરના પ્રથમ નાગરિક અંગેનો ફેસલો બારમી તારીખે

મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આગામી તા.8ના રોજ સાંજે સાત વાગ્યે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક: મેયર પદ અનામત મહિલા માટે હોય જેથી આ રેસમાં બીનાબેન કોઠારી: કુસુમબેન પંડયા: જડીબેન સરવૈયા, સરોજબેન વિરાણી, હર્ષાબા જાડેજા, સોનલબેન કણઝારીયા અને અલ્કાબા જાડેજાના નામની ચર્ચાએ જોર પકડયું છે

જામનગર તા.5:
જામનગર મહાનગર પાલિકામાં આ વખતે ઈતિહાસ રચાયો છે. પ્રથમ વખત 16 પૈકીના 10 વોર્ડમાં ભાજપાની પેનલ એટલે કે ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. એ પણ તોતિંગ બહુમતીથી, તો બીજી તરફ પદાધિકારીઓના રોટેશન પણ નિશ્ચિત કરી નાખવામાં આવ્યા છે જેમાં પ્રથમ અઢી વર્ષમાટે સામાન્ય મહિલા અનામત વર્ગ માટે અનામત રહેશે.

જેને લઈને ભાજપના ચૂંટાયેલ 26 મહિલા કોર્પોરેટરોમાંથી કોણ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર બનશે એનો તાગ આગામી 12મી તારીખે યોજાનાર નવી બોડીની જનરલ બોર્ડની મિટિંગમાં થશે. જો કે આ પૂર્વે 8મી માર્ચના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના બંગલે સાજે સાત વાગ્યે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જામનગરના બન્ને ધારાસભ્ય સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ, શહેરના પ્રભારી પણ ઉપસ્થિત રહેશે.

જેમની ઉપસ્થિતિમાં નક્કી થઈ જશે કે આગામી હોદ્દેદારો કોણ છે. વિજેતા બનેલ મહિલાઓ પૈકી સૌથી મોખરે નામ છે તે બીજી ટર્મમાં ચુટાયેલ વોર્ડ નંબર પાંચના નગરસેવિકા બીનાબેન કોઠારી, બીનાબેન ગત ટર્મમાં આરોગ્ય શાખાની કમાન પણ સોંપવામાં આવી હતી. જયારે ક્રિષ્નાબેન સોઢા અને કુસુમબેન પંડ્યા અને જડીબેન સરવૈયાનું નામ ચર્ચામાં છે. કુસુમબેનની સિનીયોરીટી ઉપરાંત શિક્ષણ અને સામાજિક કાર્યોના ભાથાનો પણ લાભ મળી શકે છે. જયારે અલ્કાબા જાડેજા અને જડીબેનની સીનીયોરીટી પણ તેઓને પદ અપાવી શકે છે.

જયારે અન્ય મહિલાઓમાં દિશાબેન અમીરભાઇ ભારાઇ, પન્નાબેન રાજેશભાઇ કટારીયા, પૂર્વ દંડક જડીબેન નારણભાઇ સરવૈયા,સરોજબેન જયંતીભાઇ વિરાણી, હર્શાબા જાડેજા, લાભુબેન કનુભાઇ બંધીયા, પ્રભાબેન કિશોરભાઇ ગોરેચા, સોનલબેન યોગેશભાઇ કણજારીયા, તૃપ્તીબેન સુનિલભાઇ ખેતીયા, ધરમીનાબેન ગુણવંતભાઇ સોઢા, કુસુમબેન હરિહરભાઇ પંડ્યા, આશાબેન નટુભાઇ રાઠોડ, ક્રિષ્નાબેન કમલેશભાઇ સોઢા, હર્ષાબેન હિનલભાઇ વિરસોડીયા, તરૂણાબેન ભરતભાઇ પરમાર, પ્રવિણાબેન જેરામભાઇ રૂપાળીયા, બબીતાબેન મુકેશભાઇ લાલવાની, શારદાબેન ખીમજીભાઇ વિંઝુડા, લીલાબેન ભદ્રા, ગીતાબા મહાવીર જાડેજા અને ભારતીબેન અશોકભાઇ ભંડેરીનો સમાવેશ થાય છે.

જો કે ભાજપની પ્રણાલી રહી છે કે જે નામની ચર્ચા હોય એ નામ ક્યારેય હોદ્દા સુધી પહોચતું નથી. પરંતુ એવું પણ બન્યું છે કે તમામ પાસાઓ બંધ બેસતા આવે તો જે નામની ચર્ચાઓ હોય તેની પર પણ પસંદગી ઉતરી શકે છે. આગામી તા. 12મીના રોજ નવી બોડીની પ્રથમ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત થશે.


Loading...
Advertisement