રાજ્યમાં 15 થી 17 વર્ષના 3.5 ટકા તરૂણો તમાકુનું વ્યસન કરે છે, શિક્ષણ વિભાગે લીધી ગંભીર નોંધ

05 March 2021 12:02 PM
Gujarat
  • રાજ્યમાં 15 થી 17 વર્ષના 3.5 ટકા તરૂણો તમાકુનું વ્યસન કરે છે, શિક્ષણ વિભાગે લીધી ગંભીર નોંધ

શાળાઓ - કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં તમાકુનું વ્યસન વધ્યું, શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી: તમાકુ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ સ્કૂલોમાં કોઈ કાર્યક્રમ સ્પોન્સર કરી શકશે નહીં

રાજકોટ, તા.5
રાજ્યમાં 15થી 17 વર્ષના 3.5 ટકા તરૂણો તમાકુનું વ્યસન કરે છે તેવો ધડાકો થતા શિક્ષણ વિભાગે તેની ગંભીર નોંધ લીધી છે. રાજયની શાળાઓ - કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં તમાકુનું વ્યસન વધ્યું છે, જેથી શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે.


તમાકુના સેવનથી થતા રોગોને કારણે વિશ્વમાં દર વર્ષે 60 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાંથી 10 લાખ લોકો ભારતીય હોય છે. એક સર્વે મુજબ ગુજરાતમાં 15થી 17 વર્ષના તરૂણોમાં તમાકુના સેવનનું પ્રમાણ 3.5 ટકા છે. રાજ્યમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ ઘટાડવા માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ કાર્યરત છે. ઉપરાંત વર્ષ 2007-08માં નેશનલ ટોબેકો ક્ધટ્રોલ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે.


જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ સ્કૂલની 100 મિટરની ત્રિજ્યામાં કોઈ પણ તમાકુનું વેચાણ કરી શકશે નહીં. જે માટે સ્થાનિક સત્તા મંડળની મદદથી 100 યાર્ડની બાઉન્ડ્રી સ્પષ્ટ રીતે માર્ક કરવાની રહેશે. શૈક્ષણિક સંસ્થાઓની બહાર સાઈનબોર્ડ અથવા તો વોલ પેઈન્ટથી ટોબેકો ફ્રી એરિયા તેવું લખાણ લખવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી, શિક્ષક, અન્ય સ્ટાફ, સ્કૂલ બસના ડ્રાઈવર દ્વારા સંસ્થાની અંદર તમાકુના સેવનની અનુમતિ આપવાની રહેશે નહીં. કેટલીક વખત તમાકુની બનાવટોનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા શાળાઓમાં સેવાભાવી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, સ્પર્ધાનું આયોજન સ્પોન્સર કરવામાં આવે છે. જોકે ગાઈડલાઈન મુજબ તમાકુ કંપની હવે શાળા-કોલેજમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સ્પોન્સર થઈ શકશે નહીં. અથવા કોઈ આયોજનમાં ભાગ પણ લઈ શકશે નહીં.
માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ જે તે કાયદાની કલમ અને તેના ઉલ્લંઘન બદલની સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરવાનું રહે છે.


Related News

Loading...
Advertisement