અમદાવાદમાં બર્ડ ફ્લૂએ દેખા દીધા : સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, ૧૦ કિમી વિસ્તારમાં એલર્ટ જાહેર

04 March 2021 11:30 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં બર્ડ ફ્લૂએ દેખા દીધા : સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, ૧૦ કિમી વિસ્તારમાં એલર્ટ જાહેર

એલર્ટ વાળા વિસ્તારમાં મરઘાં, ઈંડા, મૃત પક્ષીઓ વેચવા-ખરીદવા કે ઉપયોગ પર પ્રતિબંધ : કલેકટરનું જાહેરનામુ

અમદાવાદઃ
અમદાવાદમાં બર્ડ ફ્લૂએ દેખા દેતા ફફડાટ ફેલાયો છે. સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં છે, તે સાથે જ ૧૦ કિમી વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવાયુ છે. એલર્ટ વાળા વિસ્તારમાં મરઘાં, ઈંડા, મૃત પક્ષીઓ વેચવા-ખરીદવા કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અંગે કલેકટરે જાહેરનામુ પણ પ્રસિદ્ધ કર્યું છે.

જાણવા મળતી વિગત મુજબ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા તળાવ જેવી જગ્યામાં સ્થાનિકો દ્વારા છૂટક છૂટક મરઘાંઓ રાખવામાં આવ્યા છે. જેમાં ૧૦ મરઘાં બીમાર હોવાની માહિતી તંત્રને મળી હતી. જેથી મરઘાંના સેમ્પલ લઈ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવતા તેમાંથી બે મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જેથી સૌ પ્રથમ તંત્રએ જ્યાં કેસ આવ્યા ત્યાં એક કિલોમીટરમાં સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે. ઉપરાંત જગ્યાને સેનેટાઇઝ કરવાની કામગીરી ટીમ દ્વારા થઈ રહી છે. એક કિલોમીટરમાં ફલૂ વાળા મરઘાં મળી આવશે તો તેનો નાશ કરવામાં આવશે. આ અંગે કલેક્ટર તરફથી જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે સોલાના ૧૦ કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે. ૧થી ૧૦ કિલોમીટર વિસ્તારમાં આવતા પોલ્ટ્રી ફાર્મમાં માલિકોને ઈંડા, મરઘાં વગેરે લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સિવાય ૧૦ કિમી વિસ્તારમાં મરઘાં, ઈંડા, મૃત પક્ષીઓ વેચવા-ખરીદવા કે ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement