રાજકોટ જીલ્લામાં આજે ૩૧૮૧ લોકોએ કોરોનાની રસી લીધી : કોઈને આડ અસર નહીં

04 March 2021 08:47 PM
Rajkot Government Gujarat
  • રાજકોટ જીલ્લામાં આજે ૩૧૮૧ લોકોએ કોરોનાની રસી લીધી : કોઈને આડ અસર નહીં

વયે વૃદ્ધ પણ જુસ્સો યુવાનો જેવો : ખીરસરા અને જાંજમેર ગામના ૯૦થી વધુ ઉંમરના વડીલોએ રસી મુકાવી

રાજકોટઃ
કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હવેથી ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના તથા અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષ સુધીના લોકો કે જેમને સરકાર દ્વારા નક્કી કરેલ ૨૦ જાતની બીમારી છે તેવા કોમોરબીડિટી ધરાવતા લોકો બીમારી અંગેનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરતા વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ૫ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે. સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ - જેએવાય) અંતર્ગત જોડાયેલી પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧૦૦ રૂપિયા સર્વિસ ચાર્જ અને ૧૫૦ રૂપિયા વેક્સિનનો ચાર્જ એમ કુલ ૨૫૦ રૂપિયા ચૂકવી વેક્સિન આપવામાં આવી રહી છે. આજે જિલ્લામાં ૩૧૮૧ લોકોએ નિશ્ચિત બની કોરોના વેક્સિન લીધી છે. જિલ્લાના જાંજમેર ગામે રહેતા ૯૫ વર્ષીય બાવનજીભાઇ વેલજીભાઈ પાદરીયાએ સુપેડી આરોગ્ય કેન્દ્ર ખાતે રસી મુકાવી હતી. જ્યારે ખીરસરાના ૯૧ વર્ષીય કરણસિંહ જીવનસિંહ જાડેજાએ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન મુકાવી પોતાના મસલ્સ બતાવતા હોય તેવા પોઝમાં ફોટો પડાવી વયે વૃદ્ધ પણ જુસ્સો યુવાનો જેવો બતાવ્યો હતો. તેમને યુવાન અને તેમની ઉંમરના વયોવૃદ્ધ લોકોને કોરોના વેક્સિન લેવા પ્રેરણા આપી હતી.

● જાણો રસી લેવા માટે ક્યાં અને કઈ રીતે નામ

કોરોના વેક્સિન મેળવવા લાભાર્થીએ સરકારના કોવિન ૨.૦ પોર્ટલ ઉપર આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલમાં રૂબરૂ સ્થળ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ ઉપરાંત સ્થાનિક આશાબહેન કે આરોગ્ય કર્મચારીની મદદથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

● નામ નોંધણી માટે ક્યાં પુરાવા જોઈએ?

નામ નોંધણી કરાવવા પોતાનો અથવા કુટુંબના સભ્યનો મોબાઈલ નંબર તથા પોતાની ઓળખના આધારો જેમકે આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે સરકાર દ્વારા આપાયેલ કોઈ પણ ફોટો ઓળખકાર્ડની કોપી આપવાથી નામ નોંધણી થઈ શકશે. ૪૫ થી ૫૯ વર્ષના એવા લોકો જે સરકાર દ્વારા નિયત કરેલ ૨૦ બીમારી માંથી કોઈ બીમારી ધરાવતા હોય તો એમ.બી.બી.એસ. કે તજજ્ઞ ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ લઈને જવું, રજીસ્ટ્રેશન થાય તે અંગેનો મેસેજ મોબાઈલ ફોન પર આવશે, ત્યારબાદ જેતે સંસ્થા દ્વારા જણાવવામાં આવે તે દિવસે અથવા વેક્સિન લેવાનો મેસેજ આવે તે દિવસે વેક્સિન લઈ શકશે.


Related News

Loading...
Advertisement