વિધાનસભામાં પ્રશ્નોતરી

04 March 2021 06:41 PM
Rajkot
  • વિધાનસભામાં પ્રશ્નોતરી

રાજકોટ આરટીઓમાં 57 જગ્યા ખાલી
આજે વિધાનસભામાં ધારાસભ્યના પ્રશ્ર્નના જવાબમાં વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે રાજયની આરટીઓ કચેરીમાં 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આરટીઓમાં હાલ 1203 જગ્યાઓ ભરાયેલી છે અને 989 જેટલી ખાલી છે. જેમાં રાજકોટ આરટીઓમાં 55 જગ્યા ભરાયેલી છે અને 57 જગ્યા ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યા અમદાવાદમાં 154, સુરતમાં 83, વડોદરામાં 72 છે. આમ મહાનગરો કે જયાં આરટીઓનું કામકાજ વધુ રહેતુ હોય ત્યાં જ સૌથી વધુ જગ્યા ખાલી છે.


રાજયમાં ટ્રેકટર ખરીદી સહાય માટે રાજકોટ જિલ્લામાં હજુ 1600થી વધુ અરજી પેન્ડીંગ
વિધાનસભામાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ટ્રેકટર ખરીદી માટે રાજય સરકારને 135488 અરજીઓ મળી છે જેમાં 40 ટકા અરજીઓ જ મંજુર થઈ છે અને હજુ 27624 અરજીઓ પેન્ડીંગ છે. સરકારે અત્યાર સુધીમાં ટ્રેકટર ખરીદી માટે 54758 અરજીઓ મંજુર કરેલ છે જયારે 51122 નામંજુર કરી છે. રાજકોટ જીલ્લાની સ્થિતિ લઈએ તો 8307 અરજીઓ મળી હતી જેમાં 3787 અરજી મંજુર કરાઈ છે અને 2857 નામંજુર કરાઈ છે.


મનરેગા હેઠળ 2020-21માં 3.87 કરોડ લોકોને રોજગારી
વિધાનસભામાં આજે ગ્રામ્ય વિકાસ વિભાગના પ્રશ્ર્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે 2019 કરતા 2020માં મનરેગા હેઠળની રોજગારી વધી છે. 2019-20ના વર્ષમાં કુલ 3.53 કરોડ લોકોને આ યોજના હેઠળ વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પુરી પાડવામાં આવી હતી. 2020-21માં 3.87 કરોડ લોકોને આ યોજના હેઠળ રોજગારી મળી છે અને આ રીતે રાજયમાં મનરેગાને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને કોરોના સંક્રમણ દરમ્યાન પણ રોજગારી આપવામાં આવી હતી.


નહી રમે ગુજરાત: રાજયના 18 જિલ્લાઓમાં રમત-ગમત મેદાન માટે એક પણ રૂપિયો ફાળવાયો નથી
વિધાનસભામાં આજે રાજય સરકારે કબુલ કર્યુ હતું કે રમતગમત મેદાન માટે 2019 અને 2020ના વર્ષમાં 18 જિલ્લાઓ એવા છે કે જયાં એકપણ રૂપિયાની ફાળવણી થઈ નથી. રમશે ગુજરાત જીતશે ગુજરાતના સ્લોગન હેઠળ રાજય સરકારે રમતગમતના મેદાનો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવાની બે વર્ષ પહેલા જાહેરાત કરી હતી અને તે મેળવવા માટે આવેલી અરજીઓમાંથી સૌથી વધુ રકમ 5 કરોડ રાજકોટ જિલ્લામાં ફાળવવામાં આવી છે જે 2020ની વાત છે. 2019માં 1.25 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. જયારે નર્મદા જીલ્લામાં 7.41 કરોડની રકમ 2019માં અને 3 કરોડની રકમ 2020માં ફાળવાઈ છે પરંતુ સૌરાષ્ટ્રમાં કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં એકપણ રૂપિયાની ફાળવણી થઈ નથી.


બે વર્ષમાં રાજયમાં ફકત બે ખાનગી માર્કેટયાર્ડ શરુ થયા
ખેડુત આંદોલનના દ્વારા માર્કેટયાર્ડના અસ્તિત્વ સામે પ્રશ્ર્ન ઉઠાવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે નવા કૃષિ કાનુન અમલી બનાવ્યા છે તેમાં ખેડુતો પોતાના ખેતપેદાશની માર્કેટીંગ યાર્ડ બહાર કોઈપણ ખરીદનારને વેચી શકે તેવી જોગવાઈ છે તે વચ્ચે ગુજરાતમાં હાલ 227 સહકારી ક્ષેત્રના અને 30 ખાનગી માર્કેટીંગ યાર્ડ છે. વિધાનસભામાં આજે એક પ્રશ્ર્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં એક પણ નવુ સહકારી યાર્ડ ખુલ્યુ નથી. પરંતુ બે ખાનગી યાર્ડ ખુલ્યા છે. રાજયમાં સૌથી વધુ ખાનગી માર્કેટીંગયાર્ડ બનાસકાંઠામાં 14, અમરેલી તથા મહેસાણામાં 11-11 આવેલા છે. રાજકોટ જીલ્લામાં એક પણ ખાનગી માર્કેટીંગ યાર્ડ નથી.


Related News

Loading...
Advertisement