રાજકોટ તા.4
સૌરાષ્ટ્ર યુનિ.નુ નાક યુ.જી.સી. (યુનિવર્સિટી ગ્રાંટ કમિશન)ની નેકપીયર ટીમે વાઢી લઈ આપેલા ‘બી’ ગ્રેડના મામલે ગઈકાલે સિન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલની મળેલી જોઈન્ટ બેઠકમાં જવાબદારી ફીકસ કરવાના મામલે કુલપતિ ડો.પેથાણી અને ઉપકુલપતિ ડો.દેશાણી વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે બોલેલી તડાફડીના પગલે ઉચ્ચ શિક્ષણ જગતને બટ્ટો લાગી જવા પામેલ છે તેની સાથે આ ઘટના શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બની જવા પામી છે.
યુનિ.ના નેકપીયર ટીમે કરેલા મૂલ્યાંકન દરમિયાન સેલ્ફ સ્ટડી રીપોર્ટમાં મળેલા ઓછા ગુણ વિવિધ 17 ઈન્ડીકેટર્સમાં 0 ગુણ તેમજ હોટલ પ્રકરણ સહિતના મુદાઓ ઉછળતા ગરમાગરમી થવા પામી હતી.
સેલ્ફ સ્ટડી રીપોર્ટમાં ક્ષતિના મુદે ડો.નિદત બારોટે તલસ્પર્શી વિગતો રજુ કરી જણાવ્યુ હતુ કે યુનિ.ના તમામ વિદ્યાશાખાના ડીનને રીપોર્ટ રજુ કરતા પૂર્વે અભિપ્રાય લેવા જોઈએ તેમજ અધ્યાપકો અને નિષ્ણાંતોની મદદ લેવી જોઈએ પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નથી જે કમનસીબ છે.
બેઠકમાં કુલપતિ ડો.પેથાણી અને ઉપકુલપતિ ડો.દેશાણી વચ્ચે બઘડાટી બોલતા સિન્ડીકેટ મેમ્બર ડો.રૂપાણીએ દરમિયાનગીરી કરી બંનેને શાંત પાડેલ હતા.
બેઠકમાં ઉપકુલપતિ ડો.વિજય દેશાણીએ જણાવ્યુ હતુ કે નેક કમીટીનો સંપૂર્ણ વહીવટ કુલપતિ ડો.પેથાણી ચલાવતા હતા. તેઓને વિશ્ર્વાસમાં લઈ એકપણ સ્થળે હાજર રાખવામાંઆવેલ ન હતા. ‘બી’ ગ્રેડના મામલે કુલપતિએ જવાબદારી લેવી જોઈએ તેની સામે કુલપતિ ડો.પેથાણીએ તેઓને આ મામલે ખોટી રીતે બદનામ કરો છો? તેમ જણાવી નેકના નબળા રીપોર્ટ પાછળ પૂર્વ કુલપતિઓની કામગીરી જવાબદાર છે તેમ જણાવ્યુ હતુ. મહામહેમનતે આ મામલો શાંત પડેલ હતો.
આ બેઠકના અંતે આગામી તા.6 માર્ચને શનિવારના એસ.એસ.આર. રીપોર્ટની ચર્ચા અને અપીલમાં જવા ફરી સિન્ડીકેટની બેઠક આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.
આ ઉપરાંત આગામી સમયમાં તમામ સિલેબસ સુધારવા નેકમાં અપીલ કર્યા બાદ રીપોર્ટ આવ્યે આઈ.કયુ.એ.સી. કમીટીનું રીફોર્મ કરવા તેમજ યુનિ.ની ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની તત્કાલ ભરતી કરવાનો પણ નિર્ણય લેવામાં આવેલ છે.