રાજકોટનું મોટા એરપોર્ટમાં નામ : એપ્રિલમાં 12 કલાકમાં 12 ફલાઇટ

04 March 2021 06:31 PM
Rajkot
  • રાજકોટનું મોટા એરપોર્ટમાં નામ : એપ્રિલમાં 12 કલાકમાં 12 ફલાઇટ

એકમાંથી બે ફલાઇટ ચાલુ કરાવવામાં વર્ષો લાગી ગયા પણ હવે ધડાધડ નવા રૂટની વિમાની સેવા : વેપાર-ધંધા-રોજગાર સાથે ઉદ્યોગો ફરી ધમધમતા હવાઇ મુસાફરોની સંખ્યામાં વધારો : જાન્યુઆરી બાદ રાજકોટમાં વિમાનોના રૂટો વઘ્યા : રાજકોટથી મુંબઇ-દિલ્હી, બેંગ્લોરની સીધી વિમાની સેવા બાદ આગામી તા.7મીથી હૈદરાબાદની ફલાઇટ : ગોવાની પણ વિચારણા

રાજકોટ તા.4
કોરોના લોકડાઉન બાદ અનલોકમાં બસ, ટ્રેન, હવાઇ સેવા પુન: શરૂ થયા બાદ ગત જાન્યુઆરી માસથી રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રભરમાં હવાઇ મુસાફરોની સંખ્યા વધવા લાગી છે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ એરપોર્ટની હવાઇ સેવામાં ઉતરોતર વધારો થતા રાજકોટથી મુંબઇ-દિલ્હી, બેંગ્લોરની સીધી વિમાની સેવા હાલ કાર્યરત છે. આગામી દિવસો હજુ હૈદરાબાદ, ગોવા સહિતની ફલાઇટ શરૂ થવાની શકયતા છે.


રાજકોટ એરપોર્ટ ડીરેકટર દિગંતા બારોટ દ્વારા વિવિધ વેપારી સંગઠનોની રજુઆતોને ઘ્યાને લઇ એર લાઇનસ કંપનીઓને સંચાલન માટે જણાવતા એર ઇન્ડિયા સ્પાઇસ જેટ કંપનીએ મુંબઇ, દિલ્હી અને બેંગ્લોર જેવા મેટ્રો શહેરને જોડતી હવાઇ સેવા કાર્યરત થતા રાજકોટ એરપોર્ટ એર ફિકવન્સીમાં વધારાથી ધમધમતું થયું છે.


રાજકોટ એરપોર્ટ પર હવાઇ મુસાફરોનો સારો ટ્રાફિક થતા ચાલુ માસના અંતમાં અને એપ્રિલ પ્રારંભે ઇન્ડિગો એર લાઇન્સ કંપની પણ રાજકોટથી મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદની સીધી વિમાની સેવા શરૂ કરવા તત્પર બની છે.


ગત જાન્યુઆરી માસમાં હવાઇ મુસાફરોની સંખ્યા વધવા લાગતા ડેઇલી 34 ફલાઇટના ઉડ્ડયન બાદ 13મી ફેબ્રુઆરીથી મુંબઇ-દિલ્હી 2-2 મળી ડેઇલી સવાર-સાંજ 4 ફલાઇટના ઉડ્ડયન બાદ બેંગ્લોરની ફલાઇટ શરૂ થતા હાલ ડેઇલી પાંચ ફલાઇટનું ઉડ્ડયનથી એરપોર્ટ ધમધમી ઉઠયું છે.


રાજકોટ એરપોર્ટના રન-વે લંબાઇના વધારા સાથે એરક્રાફટ, બોઇંગ સહિત પાંચ વિમાનો પાર્કિંગ થઇ શકે તેવા પાર્કિંગ એરીયા સવલત થતાં રાજકોટ એરપોર્ટ પર એકથી વધુ વિમાનો લેન્ડીંગ-ટેક ઓફ થઇ શકે છે. એરપોર્ટમાં ટર્મિનલ બિલ્ડીંગમાં હાલ 150 મુસાફરો બેસી શકે તેવી કેપેસીટી સાથે લગેજ સ્ક્રેનીંગ સહિતની તમામ વ્યવસ્થા અને જરૂરી બંદોબસ્તની સુવિધા ઉપલબ્ધ હોવાથી એરપોર્ટ ફલાઇટમાં આવતા-જતા મુસાફરોને કોઇ અગવડતા નથી. કોરોના મહામારીના સંક્રમણને ઘ્યાને લઇ ફલાઇટમાં આવતા-જતા મુસાફરોનું ટ્રેપસેટ ગનથી સ્ક્રેનીંગ સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં આવી રહ્યું છે.
ચાલુ માર્ચ માસમાં રાજકોટ એરપોર્ટમાં હવાઇ સેવામાં વધારો નોંધાઇ રહ્યો છે. સવાર-સાંજ મુંબઇ-દિલ્હીની 2-2 ફલાઇટ ઉપરાંત બેંગ્લોરની ડેઇલી ફલાઇટ મળી પાંચ ફલાઇટનું ઉડ્ડયન શરૂ છે.
આગામી તા.7મી માર્ચ સ્પાઇસ જેટની રાજકોટ-હૈદરાબાદ, તા.12મીથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ અને તા.28મી માર્ચથી એર ઇન્ડિયાની રાજકોટ મુંબઇની ફલાઇટ શરૂ થનાર છે. આ ઉપરાંત માંસાતે અને એપ્રિલના પ્રારંભથી ઇન્ડિગો કંપનીની મુંબઇ, દિલ્હી, બેંગ્લોર હૈદરાબાદની ફલાઇટનું ઉડ્ડયન શરૂ થતા રાજકોટ એરપોર્ટ પરથી દિવસભર એક-બે ત્રણ કલાકે અન્ય મેટ્રો શહેરોને જોડતી હવાઇ સેવા કાર્યાન્વિત થનાર છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થાય તે પહેલા હાલના કાર્યરત એરપોર્ટની નામના વધવા લાગી છે એક સમયે એકમાંથી બે ફલાઇટ શરૂ કરાવવા વર્ષો લાગી જતા હતા ત્યારે હવે ધડાધડ નવા રૂટની વિમાની સેવા શરૂ થવા લાગતા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે.

17મી માર્ચથી સીધી ગોવાની ફલાઇટની સંભાવના

સપ્તાહમાં 4 દિવસ ફલાઇટ ઉડાડવા કંપનીની તૈયારી
રાજકોટ તા.4
રાજકોટ એરપોર્ટની એર ફિક્રવન્સીમાં સતત વધારા સાથે રાજકોટને દેશના અન્ય મેટ્રો શહેર સાથે જોડાણ થવા લાગ્યુ છે. સ્પાઇસ જેટ કંપનીએ સૌ પ્રથમવાર બેંગ્લોરની ફલાઇટ શરૂ કરતા તેમાં ટ્રાફીક મળતા આગામી દિવસોમાં હૈદરાબાદ અને ગોવાની ફલાઇટ માટે તજવીજ ગતિશીલ બનાવી હોવાનું જાણવા મળેલ છે. સ્પાઇસ જેટ કંપની આગામી તા.7મી માર્ચ હૈદરાબાદ ફલાઇટ અને તા.17મી માર્ચથી ગોવાની ફલાઇટ શરૂ કરવા શેડયુલ જાહેર કર્યો છે. ગોવા માટે 72 સીટનું એરક્રાફટ સોમ, બુધ, શુક્ર, શનિવારે ઉડ્ડયન માટે કંપની તત્પર હોવાનું જાણવા મળેલ આગામી દિવસોમાં ગોવા ફલાઇટનો આખરી શેડયુલ સાથે બુકીંગ વિન્ડો ઓપન થવાની શકયતા હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ-બેંગ્લોરની ડેઇલી ફલાઇટમાં મુસાફરોનો ટ્રાફીક જળવાઇ રહ્યો

હવે હૈદરાબાદની ફલાઇટ ગણતરીના દિવસોમાં શરૂ
રાજકોટ તા.4
રાજકોટ મહાનગરને દેશના અન્ય મેટ્રો શહેરને જોડતી હવાઇ સેવામાં વધારો થઇ રહ્યો છે. સ્પાઇસ જેટ કંપનીએ સૌ પ્રથમ વખત રાજકોટ-બેંગ્લોર ફલાઇટનું ઉડ્ડયન શરૂ કર્યા બાદ આગામી તા.7મી માર્ચથી રાજકોટ-હૈદરાબાદની ફલાઇટ શરૂ થનાર છે. રાજકોટ-બેંગ્લોર ફલાઇટ શરૂ થતા આ ડેઇલી ફલાઇટને ટ્રાફિક કેવો મળશે? તેનો મોટો પ્રશ્ર્નાર્થ હતો. પરંતુ આ ડેઇલી ફલાઇટમાં પ્રથમ દિવસે 120થી વધુ મુસાફરોનાં આવાગમન બાદ ડેઇલી સરેરાશ 70 થી 80 મુસાફરોનું બુકીંગ રહેતા આ ફલાઇટના ઉડ્ડયનને સફળતા મળી છે. આ સફળતા બાદ સ્પાઇસ જેટ કંપની આગામી તા.7મીથી રાજકોટ-હૈદરાબાદની સીધી ફલાઇટ સેવા માટેનો શેડયુલ બહાર પાડયો છે. તેમાં પણ મુસાફરોનો ટ્રાફીક સારો રહેવાની સંભાવના છે. બેંગ્લોરની ફલાઇટ સેવાનો ઉદ્યોગકારો, બિઝનેસમેનો, વિદ્યાર્થીઓ અને રાજકોટવાસી સૌરાષ્ટ્રવાસી મુસાફરો લઇ રહ્યા છે.

 

 

 

 


Related News

Loading...
Advertisement