સુરત મનપામાં 27 બેઠકો મળતા ‘આપ’માં જોર આવ્યુ! ‘યોગી’ ગાર્ડનનું નામ રાતો રાત બદલી નંખાયુ

04 March 2021 03:46 PM
Surat Politics
  • સુરત મનપામાં 27 બેઠકો મળતા ‘આપ’માં જોર આવ્યુ! ‘યોગી’ ગાર્ડનનું નામ રાતો રાત બદલી નંખાયુ

વોર્ડ નં.17નાં ગાર્ડનને તંત્રની કોઇ મંજૂરી વિના જ ‘પાટીદાર’ નામ આપી દેવાતા રાજકારણ ગરમાયુ : મ્યુ.કમિશ્નરે ફરી ‘યોગી’ નામનું બોર્ડ લગાવી દીધુ


સુરત તા.4
સુરત મહાનગરપાલિકાની નવી બોડી ચૂંટાયા બાદ ‘નામ’ અંગેનું રાજકારણ ગરમાયુ છે. ‘આપ’નાં કોર્પોરેટરો અને કાર્યકરોએ વોર્ડ નં.17માં આવેલ યોગી ગાર્ડનનું નામ રાતો-રાત મહાનગરપાલિકામાં કોઇપણ પ્રકારનો ઠરાવ પસાર કરાવ્યા વિના જ ‘પાટીદાર ગાર્ડન’ કરી દેતા વિવાદ સર્જાયો છે.આ અંગે વોર્ડ નં.17નાં કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવેલ હતું કે લોકોની માંગણીને ઘ્યાને રાખી યોગી ગાર્ડનનું નામ બદલીને પાટીદાર ગાર્ડન કરાયું છે.


દરમ્યાન આ બાબતે સુરત મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું કે નિયમ મુજબ નામ બદલવા જોઇએ કોઇ પોતાની મનમાની કરી શકે નહી. મ્યુ.કમિશ્નરનાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવુ જોઇએ. લોકો કે કોઇની મનમાની ચાલે નહી જો કે વિવાદનાં પગલે પાલિકાનાં કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઉતારીને ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધુ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપામાં ભાજપ બાદ આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી છે. ‘આપ’એ જીત મેળવતા જ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો ઉત્સાહમાં આવી ગયા છે. સુરતનાં વોર્ડ નં.17માં યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી ગાર્ડનનું નામ ઘણા સમયથી પાટીદાર કરવાની માંગ લોકો કરી રહ્યા હતાં. બાદમાં વોર્ડ નં.17માં ‘આપ’નાં કોર્પોરેટર ચૂંટાયા બાદ આપનાં કાર્યકરોએ કોર્પોરેટરની સહમતી લઇ રાતો-રાત યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર ગાર્ડન કરી નાખ્યુ હતું.આપનાં કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવેલ કે લોકોની લાગણી મુજબ ગાર્ડનને નામ અપાયું છે. જો કે આગામી દિવસોમાં કમિશ્નરની મંજૂરી લઇને કાર્યવાહી કરીશુ.


Related News

Loading...
Advertisement