(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર તા.4
ભાવનગર જીલ્લાની મહુવા, પાલીતાણા અને ગારીયાધારમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. ત્રણેય નગરપાલીકામાં પુન: ભાજપનું શાસન આવ્યુ છે. ભાવનગર જીલ્લાની ત્રણ નગરપાલિકા મહુવા, પાલીતાણા અને ગારીયાધરની ચૂંટણી ગત રવિવારે યોજાઈ હતી. આજે મતગણતરી થતાં ફરી લોકોએ ભાજપને સતા સોંપી છે અને કોંગ્રેસને હારના સામનો કરવો પડયો છે. મહુવા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપને 24 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત થયો છે અને સતા કબ્જે કરી છે જયારે કોંગ્રેસને 7 બેઠકો ઉપર અને મહુવા વિકાસ સમીતીને 5 બેઠકો પ્રાપ્ત થઈ છે. ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સરઘસ નીકળ્યું હતુ.
જયારે પાલીતાણા નગરપાલીકાની કુલ 36 બેઠકો પૈકી ભાજપનો 25 બેઠકો ઉપર વિજય થતાં ભાજપને પુન: સતા મળી છે. જયારે કોંગ્રેસનાં 11 ઉમેદવારો વિજેતા બન્યા છે. જયારે વલ્લભીપુર નગરપાલીકાની કુલ 24 બેઠકોમાંથી ભાજપનો 20 બેઠકો ઉપર વિજય થયો છે અને કોંગ્રેસને 1 બેઠક જયારે આમ આદમી પાર્ટી (આપ)ને 2 બેઠક અને બહુજન સમાજ પાર્ટીને એક બેઠક પ્રાપ્ત થઈ છે. આમ વલ્લભીપુર નગરપાલીકામાં પુન: ભાજપનું શાસન આવ્યું છે. વલ્લભીપુર નગરપાલીકામાં ‘આપ’નાં બે ઉમેદવારોનો વિજય થયો છે. જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ભાજપ છાવણીમાં ભારે હર્ષોલ્લાસ ફેલાયો છે જયારે કારમા પરાજયથી કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે.