રાજકોટ શહેર કોંગ્રેસના બે નેતાઓ સસ્પેન્ડ

04 March 2021 10:49 AM
Rajkot ELECTIONS 2021
  • રાજકોટ શહેર કોંગ્રેસના બે નેતાઓ સસ્પેન્ડ

પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપતા નેતાઓ સામે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની આકરી કાર્યવાહી

રાજકોટ, તા.4
પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપતા નેતાઓ સામે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે આકરી કાર્યવાહી કરી છે. અને બે નેતાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરના જણાવ્યા મુજબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની છબી ખરડાઈ તે પ્રકારે પાર્ટી વિરુદ્ધ વર્તમાન પત્રોમાં નિવેદન આપવા બદલ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ(ગજુભા) ઝાલા અને કોંગી આગેવાન રમેશભાઈ તલાટીયાને પક્ષ માંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ નેતાઓ સામે ચૂંટણી વખતે કામગીરી ન કરી હોવાની ફરિયાદ પણ ઉમેદવારો તરફથી મળી હતી જેને ધ્યાને રાખી આ કાર્યવાહી કરાઈ છે.


કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા નેતા ગજુભા ઝાલા અને રમેશભાઈ તલાટીયાએ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગી નેતાઓ દ્વારા યોજાયેલા હસાયરાના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, હાર બાદ પ્રજાના પ્રશ્નો જેવા કે, ગંદકી, ઉભરાતી ગટરો, ડોહોળું પાણી, ખરાબ રસ્તા જેવી વ્યાપક ફરિયાદો પર ધ્યાન આપવું જોઈએ નહીં કે હસાયરા કે જમણવાર કરવા જોઈએ. આ નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસના હસાયરાથી પાર્ટીના સિનિયર નેતાઓ નારાજ થયા છે અને કાર્યક્રમથી અળગા રહ્યા છે. ચૂંટણી વખતે 450 કાર્યકર-આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. જોકે આ કાર્યક્રમમાં 450 જેટલા લોકો પણ ઉપસ્થિત રહ્યા નહોતા, સિનિયર નેતાઓ ખફા હોવાથી હસાયરાનો કાર્યક્રમ ફ્લોપ શો રહ્યો.


સાચી વાત કહેવાની સજા મળી : ગજુભા
સસ્પેન્ડની કાર્યવાહી થતા પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ (ગજુભા) ઝાલાએ કહ્યું કે, વર્તમાન પત્રોમાં આપેલા નિવેદનો સાચી વાત હતી, હજારો કાર્યકરોની દિલની વાત હતી. સાચી વાત કહેવાની સજા મળી છે. ચૂંટણીમાં કામગીરી ન કરી હોવાના આક્ષેપ પર ગજુભાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં સતત સક્રિય રહ્યો છું. ચૂંટણી વખતે વોર્ડ નં.14માં કોઠારીયા કોલોનીના બે મતદાન બુથની જવાબદારી મેં સંભાળી હતી. કોંગ્રેસના દરેક કાર્યક્રમોના હાજરી આપી છે. સસ્પેન્ડની કાર્યવાહી સામે ગજેન્દ્રસિંહ પ્રદેશમાં અપીલ કરશે તેમ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement