રાજકોટઃ
રાજકોટના હોસ્પિટલ ચોક નજીક હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઈ ગયાની ઘટના સામે આવી હતી. અજાણ્યા આધેડના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવના પગલે એ.ડિવિઝન પીઆઇ સી.જે. જોશી સહિતનો કાફલો દોડી ગયો હતો. શ્રમિક જેવા દેખાતા મૃતકની ઓળખ કરવા હાલ તજવીજ હાથ ધરી હતી અને આરોપીઓની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા.
મળતી વિગત મુજબ રાત્રે 8-9 વાગ્યા આસપાસ શહેરના હોસ્પિટલ ચોક નજીક અજાણ્યા શ્રમિક જેવા દેખાતા આધેડની માથામાં ઇજા સાથે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. કોઈએ પોલીસને જાણ કરતા એ.ડિવિઝન પીઆઇ સી.જી.જોશી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ કોઈએ આધેડના માથામાં પથ્થર જેવા બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને મૃતક અને આરોપોઓની ઓળખ મેળવવા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. હાલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ત્યાંના શ્રમિકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
બનાવના પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચ તથા એ ડિવિઝનની જુદી જુદી ટીમો તપાસમાં લાગી હતી. દરમિયાન મૃતકનું નામ કાળુ પાલા પરમાર (ઉં.વ. 50, રહે. મૂળ પીપરડી આલાખાચરની, તા.વિંછીયા) હોવાની જાણકારી મળી હતી. તેમજ સીસીટીવી ફૂટેજથી શખ્સોની ઓળખ કરી ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને ગણતરીની મીનીટોમાં જ રાઉન્ડઅપ કરી લીધા છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.