નવી દિલ્હીઃ
ભારતની સ્વદેશી રસી 'કોવેક્સિન' કોરોના વાયરસ સામે તેના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ૮૧ ટકા અસરકારક સાબિત થઈ છે. આ માહિતી રસી તૈયાર કરતી કંપની ભારત બાયોટેક દ્વારા આપવામાં આવી છે.
ભારત બાયોટેકે જણાવ્યું છે કે, રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણો ૨૫૮૦૦ લોકો પર હાથ ધરવામાં આવ્યા છે. આઇસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) સાથે હાથ ધરાયેલ ટ્રાયલ એ ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી કક્ષાની ક્લિનિકલ ટ્રાયલ છે.
બીજી તરફ, આઈસીએમઆરએ કહ્યું કે, ટ્રાયલના ત્રીજા તબક્કાના પરિણામોનું મૂલ્યાંકન સ્વતંત્ર ડેટા સુરક્ષા અને નિરીક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, દેશમાં હાજર વિવિધ વય જૂથો અને વિવિધ પ્રકારના સાર્સ કોવ - ૨ સામે કોવેક્સિન અસરકારક સાબિત થઈ છે.
આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવએ કહ્યું, "સંપૂર્ણ સ્વદેશી કોવિડ -૧૯ રસી (કોવેક્સિન) આઠ મહિનાથી ઓછા સમયમાં બનાવવામાં આવી હતી." તે બતાવે છે કે આવી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા આત્મનિર્ભર ભારત કેટલું તૈયાર છે.
● કોવેક્સિન શું છે, તે કેવી રીતે કામ કરે છે
કોવેક્સિન ભારત બાયોટેક દ્વારા આઈસીએમઆરના સહયોગથી બનાવવામાં આવી છે. જેને બનાવવા માટે મૃત કોરોના વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી લોકોને રસી દ્વારા કોઈ નુકસાન ન થાય. તે વાયરસ સામે શરીરમાં એન્ટિબોડીઝ પેદા કરે છે.
કોવેક્સિન અને કોવિશિલ્ડ બન્ને રસી બે ડોઝ વાળી છે. બે ડોઝ વચ્ચે ૨૮ દિવસનો સમયગાળો રાખવામાં આવે છે. એટલે કે, જો તમે આજે રસીનો પ્રથમ ડોઝ લીધો હોય, તો તમારે બીજો ડોઝ ૨૮મા દિવસે લેવો પડશે.
● બ્રાઝિલ સાથે ૨ કરોડ ડોઝનો સોદો
ભારત બાયોટેકે બ્રાઝિલ સાથે કોવેક્સિન રસીના ૨ કરોડ ડોઝ સપ્લાય કરવા સોદો કર્યો છે. નોંધનીય છે કે બ્રાઝિલ રસીના અભાવને કારણે તેની ૨૧ કરોડની વસ્તીના માત્ર ચાર ટકા લોકોને જ રસી આપી શક્યું છે.