સૌરાષ્ટ્રના ટંકારા, ખંભાલીડા, પોરબંદર, બેટ દ્વારકામાં વધુ પ્રવાસન સુવિધા વિકસાવાશે

03 March 2021 06:33 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રના ટંકારા, ખંભાલીડા, પોરબંદર, બેટ દ્વારકામાં વધુ પ્રવાસન સુવિધા વિકસાવાશે

સોમનાથ, દ્વારકા, ગીર સહિતના છ સ્થળો પર હેલીપોર્ટ વિકસાવવા ત્રણ કરોડની ફાળવણી : પ્રવાસનના વિકાસ માટે રાજય સરકારના બજેટમાં 488 કરોડ ફાળવાયા : કચ્છના નારાયણ સરોવરમાં 30 કરોડના અને માતાના મઢના વિકાસ માટે રપ કરોડના પ્રોજેકટ : ઐતિહાસિક મહત્વ ધરાવતા યાત્રાધામોનો 154 કરોડના ખર્ચે કરાશે સર્વાંગી વિકાસ : ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિતે વિવિધ સ્મૃતિ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

રાજકોટ તા. 3 : ગુજરાત સરકારના વર્ષ 2021-22 ના અંદાજપત્રમાં રાજયના પ્રવાસનના વિકાસની હરળફાળને વેગવંતી બનાવવા માટે 488 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રવાસન સ્થળોને માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ખ્યાતિ મળે તે રીતે આંતર રાષ્ટ્રીય કક્ષાના માપદંડો સાથે વિકસાવી ગુજરાત ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ બને તે દિશામાં કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ટંકારા, ખંભાલીડા, પોરબંદર અને બેટ દ્વારકામાં વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવનાર છે.


ગુજરાતમાં આવનાર પ્રવાસીઓને ગુણવતાસભર આધુનીક સુવીધા ઉપલબ્ધ કરાવવા માટે 315 કરોડ ફાળવવામાં આવેલ છે. જેમાં વડનગર ખાતે આવેલ વિવિધ હેરીટેજ સ્ટ્રકચર પુરાતત્વીય સ્થળ જુદા-જુદા તળાવો, વિવિધ મંદિરો, તેમજ અન્ય પ્રવાસી સુવિધાઓ માટે માસ્ટર પ્લાન બનાવી વિકાસ કામગીરી કરવામાં આવશે.


આ ઉપરાંત બુધ્ધ સરકીટના સ્થાનો જેવા કે દેવની મોરી, ખંભાલીડા, શાણા, સિયોટ, વાલ્મીકીપુર તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર ખાતે દેશ વિદેશના પ્રવાસી આવતા હોવાથી કીર્તિ મંદિર, બરડા હિલ વન્યજીવ અભયારણ્ય, પોરબંદર પક્ષી અભયારણ્ય, પોરબંદર બીચ, જાંબુવન ગુફા, સ્વામી વિવેકાનંદ મેમોરીયલ વગેરે સ્થળોને વધુ વિકસાવવામાં આવશે. તેની સાથો સાથ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિતે તેઓ સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. હેરીટેજ સ્થળો તથા જુદા જુદા સ્મારકોના થ્રી-ડી પ્રોજેકશન મેપિંગ સાથેનો લાઇટ અને સાઉન્ડ શો માટે રૂ.3 કરોડની જોગવાઇ કરાયેલ છે. બેટ-દ્વારકા, સિયાળ સવાઇ બેટ, સુર્યનગરી મોઢેરા અને સાપુતારા ખાતે વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.

યાત્રાધામ
રાજયમાં આવેલા ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા યાત્રાધામોના સર્વાંગી વિકાસ અને યાત્રાળુઓને પ્રાથમિક સુવિધા આપવા માટેના વિવિધ કામો હાથ ધરવા માટે રૂ.1પ4 કરોડની જોગવાઇ કરાયેલ છે.


જેમાં પાવગઢ-માંચીના સર્વગ્રાહી વિકાસ માટે રૂ.31 કરોડના પ્રોજેકટ, નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે આગામી વર્ષોમાં રૂ.30 કરોડના પ્રોજેકટ અને માતાનો મઢ-કચ્છના વિકાસનો માસ્ટર પ્લાન બનાવી આગામી વર્ષોમાં રૂ.રપ કરોડના પ્રોજેકટનું આયોજન કરાયેલ છે. તેમજ પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીના વિકાસ માટે રૂ.10 કરોડ અને કંથારપુર વડ, જીલ્લો ગાંધીનગરના વિકાસ માટે રૂ.10 કરોડનું આયોજન કરાયેલ છે.


નાગરિક ઉડ્ડયન
રાજયમાં હેલીકોપ્ટર સેવાનો વધતો જતા વ્યાપને ધ્યાને લઇ કાયમી ધોરણે હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવવા માટે રૂ.3 કરોડની જોગવાઇ કરાયેલ છે.


Related News

Loading...
Advertisement