મંડપ સર્વિસનો ધંધાર્થી પાર્ટી કરવા દારૂની મોંઘીદાટ બોટલો લાવ્યો ને પોલીસે દબોચી લીધો

03 March 2021 06:25 PM
Rajkot Crime
  • મંડપ સર્વિસનો ધંધાર્થી પાર્ટી કરવા દારૂની મોંઘીદાટ બોટલો લાવ્યો ને પોલીસે દબોચી લીધો

ભકિતનગર પોલીસે સહકારનગર મેઇન રોડ પરથી એકિટવા પર જતા કાર્તિક રામાવતને ઝડપી રૂ.4000ની કિંમતની દારૂની પાંચ બોટલ અને સ્કૂટર મળી રૂ.44000 નો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. 3 : શહેરના સહકાર નગર મેઇન રોડ પર પરશુરામ ચોકમાંથી ભકિતનગર પોલીસે મંડપ સર્વીસના ધંધાર્થીને દારુની પાંચ મોંઘીદાટ બોટલો સાથે દબોચી લીધો હતો. ભકિતનગર પીઆઇ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે. કાથળીયા, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ પઢારીયા વગેરે સ્ટાફને બાતમી મળતા સહકારનગર મેઇન રોડ પર વોચ ગોઠવી હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યા આસપાસ એકિટવા પર નીકળેલા મંડપ સર્વીસના ધંધાર્થી કાર્તિક ઉમેશભાઇ રામાવત (ઉ.વ. 33 રહે ખોડીયાર સોસા. શેરી નં 4 નંદા હોલ પાછળ) ને આંતરી એકિટવામાં આગળના ભાગે રહેલી પ્લાસ્ટીકની થેલીમાં તપાસ કરતા મોંઘા ભાવની દારુની પાંચ બોટલ મળી આવી હતી જેથી આરોપીની ધરપકડ કરી એકિટવા અને દારુની બોટલો મળી કુલ રૂ.44000 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની કબુલાત મુજબ તે પાર્ટી કરવા માટે દારુની બોટલ લાવ્યો હતો જોકે પાર્ટી કરે તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો. દારુ કોની પાસેથી લાવવામાં આવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement