‘પૈસા લાવ નહી તો પતાવી દઇશ’ તેમ કહી યુવાનને માર મારી રૂા.5.25 લાખની લૂંટ

03 March 2021 06:24 PM
Rajkot Crime
  • ‘પૈસા લાવ નહી તો પતાવી દઇશ’ તેમ કહી યુવાનને માર મારી રૂા.5.25 લાખની લૂંટ

સાધુ વાસવાણી રોડ પર લુખ્ખાઓનો આતંક : મોબાઇલની દુકાનમાં કામ કરતો દેવેન જોટાણીયા શેઠના રૂપિયા લઇ દુકાને જતો હતો ત્યારે રસ્તામાં એક વ્યકિતને પૈસા દેવા ઉભો રહ્યો ત્યાં જ હાર્દિક જાડેજા જોઇ જતા અન્ય બે સાગ્રીતોને બોલાવી લૂંટ ચલાવી

રાજકોટ તા.3
શહેરના સાધુ વાસવાણી રોડ પર લુખ્ખાઓએ આતંક મચાવી મોબાઇલની દુકાનમાં કામ કરતા યુવાનને માર મારી રૂા.5.25 લાખની લૂંટ ચલાવી હતી. બનાવ બાદ ફરિયાદ નોંધાતા યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં દેવેન રાજેશભાઇ જોટાણીયા (ઉ.વ.19, રહે.ગંગોત્રી ડેરી સામે) કૈલાશ પાર્ક શેરી નં.9, સાધુ વાસવાણી રોડએ જણાવ્યું હતું કે હું મુરલીધર ચોક પાસે વિનાયક કોમ્પ્લેક્ષ સામે આવેલી સ્માઇલ મોબાઇલમાં એકાદ વર્ષથી નોકરી કરૂ છું. મારા પિતા રાજેશભાઇ લાલજીભાઇ જોટાણીયા યુનિવર્સિટી રોડ પર સોડાની લારી ચલાવે છે.

ગત તા.27ના રોજ સ્માઇલ મોબાઇલના માલિક અને મારા શેઠ અંકિતભાઇ પારેખ એવા ગોવા ગયા હોવાથી તેમના પિતા નિલેશભાઇ અને હું દુકાને રહેતા અને વેપાર કરતા ગત તા.1ના રોજ બપોરે ત્રણેક વાગ્યે હું ઘરેથી જમી દુકાન તરફ આવતો હતો ત્યારે મારા શેઠ અંકિતભાઇનો ફોન આવ્યો કે તેમના મિત્ર દિલીપભાઇ પટેલ પાસેથી રૂપિયા લઇ આવજે અને દુકાને રાખી દેજે જેથી હુ દિલીપભાઇને ફોન કરતા ગંગોત્રી પાર્ક મેઇન રોડ, શિલ્પન ઓનેકેસ પાસેથી રૂપિયા લઇ જવા કહ્યું જેથી હું દુકાને પહોંચ્યો હતો.

જયાં બાજુમાં આવેલ ભારત કોટનવાળા અબદુલભાઇનું એકટીવા નં.જીજે 03 એલ.કે.5510 લઇ શિલ્પન ઓનેકસ પાસે પહોંચ્યો. જયાં દિલીપભાઇએ મને 6,00,000 રૂપિયા એક થેલીમાં આપ્યા હતા. જે થેલી હું ડેકીમાં નાખી દુકાન તરફ આવતો હતો ત્યારે મારા શેઠ અંકિતભાઇનો ફોન આવેલ કે 6 લાખમાંથી 75 હજાર રૂપિયા સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામે આવેલ ડિલકસ પાન પાસે નિકુંજભાઇ ઉભા છે તેમને આપી દેજે જેથી ત્યાં પહોંચી મે નિકુંજભાઇને રૂા.75 હજાર થેલીમાંથી કાઢીને આપ્યા હતા.

ત્યારે મારા ઘર પાસે રહેતો હાર્દિકસિંહ સહદેવસિંહ જાડેજા પણ ત્યાં ઉભો હોય તે પૈસા જોઇ મારી પાસે આવ્યો હતો અને રૂા.5400ની માંગણી કરી હતી. મે તેમને કહ્યું કે આ રૂપિયા મારા શેઠના છે. જેથી હાર્દિક સિંહે મારી એકટીવાની ચાવી ઝુટવી લઇ મને એકટીવા પાછળ બેસવા કહ્યું હતું તે મને એકટીવા પાછળ બેસાડી ગુરૂજીનગર શાકમાર્કેટ ખાતે લઇ ગયો જયાં તેમણે રામભાઇ કારાવદરાને ફોન કરતા તે ત્યાં પહોંચ્યા હતા અને અન્ય વ્યકિતને ફોન કરતા એક અજાણ્યો વ્યકિત સ્વીફટ કાર લઇ ત્યાં આવ્યો હતો.

હાર્દિક સિંહ અને રામભાઇએ મને કહ્યું પૈસા આપી દે નહી તો પતાવી દેશુ મે પૈસા આપવાની ના પાડતા બંનેએ મને માર માર્યો હતો. તે દરમિયાન હાર્દિકસિંહે એકટીવાની ડેકીમાંથી રૂા.પ.25 લાખ કાઢી લીધા હતા અને ત્રણેય શખ્સો કારમાં બેસી ફરાર થઇ ગયા હતા. મે દુકાને આવી સમગ્ર વાત મારા શેઠને જણાવી હતી. જેથી મારા શેઠના એક મિત્ર અને હું મારા પાડોશમાં આવેલા હાર્દિકસિંહના ઘરે પહોંચ્યા હતા પણ ઘર બંધ હતું. હાર્દિકનો કોન્ટેકટ નંબર શોધી તેને ફોન કરતા હાર્દિકે કહ્યું કે રૂપિયા આપી દઇશ જેથી અમે એક દિવસ રાહ જોઇ પણ પછી હાર્દિકનો કોન્ટેકટ કરતા તેને કહ્યું કે રૂપિયા નહી મળે અને ફરિયાદ નહી કરવા પણ ધમકી આપી હતી.

જેથી હું ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. યુનિવર્સિટી પોલીસે હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા, રામભાઇ કારાવદરા અને અજાણ્યા કાર ચાલક સામે આઇપીસી કલમ 392, 506(2), 114 મુજબ ગુનો નોંઘ્યો છે. આ અંગે આરોપીઓને ઝડપી લેવા પીએસઆઇ એ.વી.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

તાજેતરમાં જ હાર્દિકસિંહ પાસામાંથી છુટયો
સાધુ વાસવાણી રોડ પર લૂંટને અંજામ આપનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા રીઢો ગુનેગાર છે. તાજેતરમાં જ હત્યાના પ્રયાસના બનાવમાં તેને પાસામાં જેલ હવાલે કરાયો હતો. જયાંથી તાજેતરમાં જ તેનો છુટકારો થયો હતો. પાસાની હવા ખાધા બાદ પણ હાર્દિકસિંહે સુધરવાના બદલે ફરી એક વાર લખણ ઝળકાવ્યા છે. હાલ આરોપીઓ રાજકોટ બહાર નાસી છુટવાનું અનુમાન છે. પોલીસે આરોપીઓનું લોકેશન મેળવી તેમને દબોચી લેવા કમર કસી છે.


Related News

Loading...
Advertisement