ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ સહિતનાને ત્યાં આવકવેરાના દરોડા

03 March 2021 06:01 PM
Entertainment
  • ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ સહિતનાને ત્યાં આવકવેરાના દરોડા

ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા ટેક્સચોરી કરાઈ હોવાની આશંકાને પગલે મુંબઈ અને પૂનામાં 22 સ્થળોએ સર્ચ ઓપરેશન: બોલિવૂડમાં ખળભળાટ

મુંબઈ, તા.3
બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ અને મધુ મનટેનાના ઘેર આવકવેરા વિભાગે દરોડો પાડ્યો છે. મધુ મનટેનાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ‘ક્વાન’ની ઓફિસ ઉપર પણ આવકવેરા અધિકારીઓ પહોંચ્યા છે. દરોડાની આ કાર્યવાહી ‘ફેન્ટમ’ ફિલ્મમાં કરાયેલી ટેક્સ ચોરીના સિલસિલામાં કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે ટેક્સ ચોરીના મામલે ફેન્ટમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ સહિતના સેલિબ્રિટીઓ સામેલ છે. અન્ય લોકોની પણ ફેન્ટમ ફિલ્મો દ્વારા કરચોરી કરાઈ હોવાની આશંકાને પગલે શોધખોળ ચાલી રહી છે.મુંબઈ અને પૂનામાં અંદાજે 20થી 22 સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

2011માં અનુરાગ કશ્યપ, મધુ મનટેના, વિક્રમાદિત્ય મોટવાની અને વિકાસ બહાલ દ્વારા ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના કરવામાં આવી હતી. જો કે ઓક્ટોબર-2018માં તેને બંધ કરી દેવાઈ હતી.અનુરાગ કશ્યપ કેન્દ્ર સરકારની નીતિઓના બહુ મોટા ટીકાકાર રહ્યા છે જ્યારે તાપસી પન્નુએ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું હતું.

પાછલા મહિને જ બાલાજી ટેલીફિલ્મ્સની નવી ડિવિઝન કલ્ટ મૂવીઝે ફિલ્મ ‘દોબારા’નું ટીઝર રિલિઝ કર્યું હતું. ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે અને અનુરાગ કશ્યપ આ થ્રિલર ફિલ્મનું ડાયરેક્શન કરશે. તેના ટીઝરમાં તાપસી પન્નુ અને અનુરાગ બન્ને સાથે જોવા મળ્યા હતા.


Related News

Loading...
Advertisement