સૌની યોજનાનાં નિર આજી-1 ડેમમાં પહોંચી ગયા

03 March 2021 05:59 PM
Rajkot
  • સૌની યોજનાનાં નિર આજી-1 ડેમમાં પહોંચી ગયા
  • સૌની યોજનાનાં નિર આજી-1 ડેમમાં પહોંચી ગયા

આજીમાં સાતમી વાર નર્મદા નિર ઠલવવાનું શરૂ : ચાલુ માસ દરમ્યાન ડેમમાં કુલ-6પ0 એમ.સી. એફ.ટી. પાણી ઠલવાશે : ઉનાળામાં રાજકોટમાં પાણીની તંગી નહી પડે

રાજકોટ તા. 3
રાજકોટવાસીઓને ચાલુ ઉનાળા દરમ્યાન પીવાનાં પાણીની તંગી ન પડે તે માટે ગત સોમવારે ધોળીધજા પમ્પીંગ સ્ટેશનેથી આજી-1 ડેમ માટે સૌની યોજના અંતર્ગત છોડવામાં આવેલ નર્મદા નિર આજે બપોરે ત્રંબા વટાવી અને આજી-1 ડેમ સુધી પહોંચી ગયા છે.

આ અંગે રાજકોટ સિંચાઇ વિભાગનાં કાર્યપાલક ઇજનેર પી.ડી. સોનપાલનાં જણાવ્યા મુજબ ધોળીધજા ડેમનાં પમ્પીંગ સ્ટેશન ખાતેથી ગત સોમવારે સવારથી છોડવામાં આવેલ નર્મદા નિર આજે ત્રીજા દિવસે બપોરે 1 વાગ્યા આસ પાસ આજી-1 ડેમ સુધી પહોંચી ગયા છે. શ્રી સોનપાલનાં જણાવ્યા મુજબ ધોળીધજા બાદ મચ્છુ-1 થી ત્રંબા સુધીની ખાસ બિછાવેલી 90 કીમીની પાઇપ લાઇન દ્વારા આજી-1 ડેમ માટે પાણી છોડવામાં આવી રહયુ છે.

ગત સોમવારથી આ પાણી છોડવામાં આવી રહયુ છે. અને બે હેવી કેપેસીટીના પંપ દ્વારા પાણીનું પમ્પીંગ કરવામાં આવી રહયુ છે. વધુમાં ઇજનેર સોનપાલનાં જણાવ્યા મુજબ આજે વહેલી સવારે છ કલાકે સૌની યોજનાનાં નિર ત્રંબાનાં આંગણે પહોંચી ગયા હતા. અને અત્રે ત્રિવેણી ઘાટ ઉપરાંત 7 જેટલા નાના-મોટા ચેક ડેમો ભરાઇ ગયા હતા. બાદમાં બપોરે 12 વાગ્યા આસપાસ આ નર્મદા નિર આજી-1 ડેમ પહેલા આવતા કાળીપાટનાં ચેક ડેમમાં પહોંચી ગયા હતા.

અને થોડીવારમાં જ આ ચેક ડેમ ઓવરફલો થઇ ગયો હતો. અને બપોરે 1 વાગ્યા આસપાસ નર્મદા નિર આજી-1 ડેમમાં પહોંચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હવે આપણે ચાલુ માસ દરમ્યાન આજી 1 ડેમમાં કુલ 650 એમ.સી. એફ.ટી. પાણી ઠલવાશે અને આજી ડેમ પુરો ભરાઇ ગયા બાદ ન્યારી-1 ડેમમાં પાણી ભરવાની શરુઆત કરાશે.


Related News

Loading...
Advertisement