તમામ ગામડાના વોટર વર્કસને મફત વીજળી, પડતર જમીનમાં સૌર ઉર્જા પ્રોજેકટ

03 March 2021 05:54 PM
Rajkot Gujarat Gujarat budget
  • તમામ ગામડાના વોટર વર્કસને મફત વીજળી, પડતર જમીનમાં સૌર ઉર્જા પ્રોજેકટ

ઉર્જા-પેટ્રો કેમિકલ્સ માટે 13034 કરોડની નવા બજેટમાં જોગવાઇ, પછાત-ઓછી આવક ધરાવતા પરિવારોને વીજ જોડાણ

રાજકોટ તા. 3 : રાજકોટ સહીત રાજયના તમામ ગામડાઓના વોટર વર્કસને મફત વીજ પુરવઠો આપવા અને સરકારી પડતર જમીનમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે થઇ રાજય સરકારે વર્ષ ર0ર1-રર ના બજેટમાં ઉર્જા-પેટ્રો કેમીકલ્સ ખાતા માટે રૂ.13034 કરોડની જોગવાઇ કરી છે.રાજયના નાણા મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે માથાદીઠ ઉર્જા વપરાશમાં ગુજરાત રાજય દેશમાં પ્રથમ ક્રમે છે. દેશના બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત 1ર ટકા જેટલુ મોટુ યોગદાન આપે છે. તાજેતરમાં વિશ્ર્વના સૌથી મોટા 30000 મેગાવોટના પુન:પ્રાપ્ય ઉર્જા પાર્કનો શિલાન્યાસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કચ્છ જીલ્લામાં થયેલ છે. જે સાથે ગુજરાત દેશનું રિન્યુએબલ એનર્જી કેપીટલ બનવા આગળ વધી રહયુ છે.


દેશના એલએનજી કેપીટલ તરીકે ઓળખ મેળવી આપણા રાજયએ પેટ્રોકેમીકલ્સ ક્ષેત્રે પણ અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. પાઇપ નેચરલ ગેસ નેટર્વકમાં રાજયનો દરેક જીલ્લો આવરી લેવામાં આવેલ છે. બાવીસ લાખ ઓગણીસ હજાર ઘરો સુધી પાઇપલાઇન નેચરલ ગેસ કનેકશન આપી પીએનજી જોડાણમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. નેશનલ ગેસગ્રીડ હેઠળ જીએસપીએલ દ્વારા હાથ ધરાયેલ 1900 કીલોમીટરની મહેસાણા-ભટીંડા અને ભટીંડા-જમ્મુ ગેસ પાઇપ લાઇનના રૂ.7300 કરોડના પ્રોજેકટની કામગીરી અંતિમ તબકકામાં છે.


ખેડુતોને સિંચાઇનું પાણી ઓછા ખર્ચે મળે તે માટે અમારી સરકાર છેલ્લા રપ વર્ષથી દર વર્ષે ખુબ મોટા પ્રમાણમાં ખેડુતોને વીજ બીલમાં સબસીડી આપી રહી છે. આ માટે રૂ.8411 કરોડની જોગવાઇ. રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતોને જયારે રાત્રે વીજ સપ્લાય મળતો હોય ત્યારે રાત્રીના ઉજાગરા સાથે સિંહ, દીપડા જેવા પ્રાણીઓ તેમજ સાપ , વીંછી જેવા જીવજંતુઓનું પણ જોખમ રહે છે અને તેઓને જીવના જોખમે રાત્રે સિંચાઇ કરવી પડે છે. ખેડુતોને આ મોટી હાડમારીમાંથી મુકત કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ખેડુતોના જીવનમાં પરિવર્તન સમાન ખેડુતોને રાત્રીના બદલે દીવસે વીજળી પુરી પાડવાની કીસાન સુર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે.


જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, દેવભુમી દ્વારકા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ જેવા મોટાભાગના જીલ્લામાં તેની અમલવારી પણ શરુ થઇ ચુકી છે. આ યોજનાની કામગીરી આગળ ધપાવવા માટે રૂ.1000 કરોડની જોગવાઇ કાઢી છે.


તમામ ગ્રામ પંચાયતોનાં વોટર વર્કસ માટે વિના મુલ્યે વીજળી પુરી પાડવા રૂ.734 કરોડની જોગવાઇ , નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ.400 કરોડની જોગવાઇ , જેટકોનાં સબસ્ટેશનોની નજીકમાં આવતી સરકારી પડતર જમીનમાં તબકકાવાર રપ00 મેગાવોટ સૌર ક્ષમતાનાં પ્રોજેકટ માટે રૂ.600 કરોડની જોગવાઇ, આદિજાતિ, અનુસુચિત જાતીના અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશનું વીજ જોડાણ આપવા રૂ.રપ કરોડની જોગવાઇ કરી છે.


Related News

Loading...
Advertisement