સરકારથી અલગ વિચાર રાખવા રાજદ્રોહ નથી: સુપ્રીમ કોર્ટ

03 March 2021 05:44 PM
India
  • સરકારથી અલગ વિચાર રાખવા રાજદ્રોહ નથી: સુપ્રીમ કોર્ટ

કલમ 370ની નાબુદીનો વિરોધ કરતા ફારૂક અબ્દુલ્લા સામેની અરજી ફગાવાઈ : દેશના બંધારણે દરેકને અભિવ્યક્તિનો અધિકાર આપ્યો છે: અરજી કરનાર પર રૂા.50000નો દંડ ફટકારતી સર્વોચ્ચ અદાલત

શ્રીનગર તા.3
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબુદી સાથે જ રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી ફારૂક અબ્દુલ્લા સામે જે રીતે અટકાયતી ધારાનો અમલ કરવામાં આવ્યો હતો અને તેઓને નજરકેદ રખાયા હતા તે વચ્ચે કલમ 370ની નાબુદીનો વિરોધ કરવા બદલ તેમની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરતી એક જાહેર હિતની અરજી ફગાવતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકારથી અલગ મંતવ્ય કે અભિપ્રાય કે વિચાર ધરાવવા રાષ્ટ્રદ્રોહ ગણી શકાય નહી.

દેશમાં અભિવ્યક્તિના અધિકાર દેશના બંધારણમાં આપવામાં આવ્યો છે અને તેનું પાલન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કીશન કૌલના વડપણ હેઠળની ખંડપીઠે ફારૂક અબ્દુલ્લા સામેની રાજદ્રોહની અરજી પર વિચારણા કરવાનો ઈન્કાર કરતા જણાવ્યું હતું કે તેમના વિધાનોને રજૂ થયા છે તે તેમના વિચાર છે તેના પરથી રાજદ્રોહ બનતો નથી. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેવા ઉપરાંત અરજદાર પર રૂા.50000નો દંડ પણ ફટકાર્યો હતો.

અરજદારે એવો આક્ષેપ મુકયો કે ફારૂક અબ્દુલ્લાએ કલમ 370ની પુન: સ્થાપના માટે પાકિસ્તાનની મદદ માંગી હતી અને ચીન સાથે મળીને કલમ 370 પુન: સ્થાપિત કરશું તેવું જણાવ્યું હતું. પણ બચાવ પક્ષે જણાવ્યું કે આ વિધાનોને ખોટી રીતે લેવાય છે. સુપ્રીમકોર્ટનો આ ચૂકાદો હાલની સ્થિતિમાં અત્યંત મહત્વનો છે અને તે વારંવાર જે રીતે સરકાર વિરોધી વલણ બદલ રાજદ્રોહના કેસ દાખલ થાય છે તેના પર બ્રેક સમાન છે.


Related News

Loading...
Advertisement