રાજકોટ તા.3
રાજયના નવા નાણાકીય વર્ષનાં બજેટમાં ઉદ્યોગ ક્ષેત્ર માટે શ્રેણીબદ્ધ દરખાસ્તો કરવામાં આવી છે.ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 6599 કરોડની યોજના જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં મેડીકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, જીલ્લાનાં નાગલપરમાં નવી ઔદ્યોગીક વસાહતને મલ્ટીલેવલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.નાણાપ્રધાને બજેટ પ્રવચનમાં કહ્યું કે ઉદ્યોગલક્ષી વાતાવરણ સરકાર અઢી દાયકાથી કામગીરી કરે જ છે. રોજગારી નિર્માણ, સ્વદેશી ટેકનોલોજી, ઈનોવેશન, વગેરેને લક્ષ્યમાં રાખીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત કટીબદ્ધ છે. 300 થી વધુ કાયદાનું સરળીકરણ કર્યુ છે. ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં પ્રથમ સ્થાન છે.અનેકવિધ ફોર્મની ઝંઝટ પણ હળવી કરી છે રાજયમાં હાલ કેન્દ્ર તથા રાજય સરકારનાં 1.90 લાખ કરોડના 314 માળખાકીય પ્રકલ્પો પ્રગતિમાં છે.ટેકસટાઈલ નીતિ હેઠળ આવતા ઉદ્યોગોને સહાય માટે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે લઘુ-નાના-મધ્યમ ઉદ્યોગોને વિવિધ પ્રોત્સાહન યોજના માટે 1500 કરોડ, રોજગારી સર્જતા મોટા ઉદ્યોગોને સહાય કરવા 962 કરોડ, કુટીર-ગ્રામોદ્યોગમાં સ્વરોજગારી સર્જવા 578 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ભારત સરકારની યોજના હેઠળ બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થાપવામાં આવશે રાજકોટમાં મેડીકલ ડીવાઈસ પાર્ક તથા જંબુસરમાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ ઉભો કરાશે.નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગને સહાયભુત થવા સાધન-ઓઝાર સહાય તરીકે 27 ટ્રેડ માટે 34000 લાભાર્થીને લાભ આપવા 48 ક્રોડની જોગવાઈ કરવામાં આવી છે.સ્ટાર્ટઅપ ઈનોવેશન યોજના હેઠળ દરેક સ્ટાર્ટઅપને પ્રતિ માસ 2000 તથા મહિલા ઈનોવેટર હોવાના કિસ્સામાં વધુ 25 ટકા એલાઉન્સ આપવા 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતના નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં ટકાવવા માટે કવોલીટી ક્ધટ્રોલ તથા લેબ ટેસ્ટીંગ ફેસીલીટીની સુવિધા માટે મીની કલસ્ટર બનાવાશે અને તે માટે 14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ખાણકામ પ્રવૃતિ માટે આવશ્યક પર્યાવરણ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવામાં થતી તકલીફ દુર કરવા કલસ્ટર સ્તરની કામગીરી માટે પાંચ કરોહની જોગવાઈ કરવામાં આવી છે.ઔદ્યોગીકરણને પ્રોત્સાહન તથા રોજગારીનાં બેવડા ઉદેશ સાથે બનાસકાંઠાનાં જલોત્રા, જામનગરનાં શેખપાટ, ગાંધીનગરનાં કડજોદ્રા, અમરેલીનાં પીપાવાવ, રાજકોટના નાગલપર, ઉપરાંત મોરબી, આણંદ, પાટણ, મહીસાગરમાં નવી ઔદ્યોગીક વસાહત બનાવાશે.લોધીકા, દહેજ, સાયલા, અંકલેશ્ર્વર, હાલોલ, સાણંદ, વાપી, ઔદ્યોગીક વસાહતોને મોડેલ એસ્ટેટ તરીકે વિકસાવાશે.