રાજકોટ, તા. 3
ક્ષત્રિયકુંડ મહાતીર્થ (મુ.છલવાડ, જી. જમુઇ, બિહાર)ની ધન્યધરા પર પૂ. આ.ભ. શ્રી વિજય નયવર્ધનસૂરીશ્ર્વરજી મહારાજા તથા પૂ. સાધ્વીજી શ્રી ઉદયપૂર્ણાશ્રીજી મ.ના સંયમ જીવનના 50મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે તા.પ થી 7 માર્ચ સુધી ત્રિદિવસીય શ્રી જિનેન્દ્ર ભકિત મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. ત્રિદિવસીય શ્રી જિનેન્દ્ર ભકિત મહોત્સવ અંતર્ગત તા.5મીના શુક્રવારે સવારે નવ વાગે પૂ. આચાર્ય દેવશ્રીનું મનનીય પ્રવચન, બપોરે 12 વાગે શ્રી પાર્શ્વજિન પંચકલ્યાણક પૂજા, બપોરે 3 વાગે પૂ. દીક્ષા દાનેશ્વરી ગુરૂદેવ ‘સૂરીરામ’ના ઉપકારોનું સંસ્મરણ તથા સંગીતના સૂરો સાથે યશોગાન થશે.
તા.6ના શનિવારે સવારે નવ વાગે મુમુક્ષુ દીપકુમારનો વરસીદાનનો વરઘોડો, બપોરે 12 કલાકે 108 શ્રી વર્ધમાન અભિષેક મહાપૂજન રાત્રે 7.30 કલાકે મુમુક્ષુનો સન્માન સમારંભ યોજાશે બપોરે ચાર વાગે પરમોપકારી પિતા મુનિરાજશ્રીના અગણિત ઉપકારોનું સંગીત સાથે સ્મરણ ગાન થશે. તા.7મીના રવિવારે સવારે 6.30 કલાકે મુમુક્ષુ દીપકુમાર રૂપેશભાઇની ભાગવતી દીક્ષાની મંગલવિધિનો પ્રારંભ ત્યાબાદ સવારે 9.30 કલાકે પૂ. આચાર્ય ભગવંતશ્રી તથા પૂ. સાધ્વીજી ભગવંતના સંયમ જીવનના પ0માં વર્ષમાં પ્રવેશ નિમિતે ગુરૂભકિતના વિવિધ કાર્યક્રમો, પૂજયશ્રીનું મનનીય પ્રવચન, સંગીત ભકિત તથા બપોરે 12.30 કલાકે શ્રી નવપદજીની પૂજા ભણાવાશે.
તા.8મીના લક્ષવાડ મધ્યે નૂતન ધર્મશાળાના એક વિશાળ ખંડમાં પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્ર્વરજી શાસ્ત્ર સંગ્રહનું નિર્માણ થયું છે. તેનો ઉદઘાટન સમારોહ પૂ. તીર્થોદ્ધારક શ્રીની શુભ નિશ્રામાં થશે. પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી હંસશ્રીજી મ.ના પરિવારના પૂ. તપસ્વિની સાધ્વીશ્રી રાજહંસાશ્રીજી મ.એ સંયમ સુવર્ણ વર્ષના પ્રારંભે પોતાના ભવોદ્ધારક આચાર્ય દેવશ્રીનો સળંગ 570 આયંબીલનું સુકૃત સમર્પિત કર્યુ છે.
શાસન પ્રભાવક આ. શ્રી નયવર્ધનસૂરીશ્વરજી મ.
દીક્ષાયુગ પ્રવર્તક, સુવિહિત શિરોમણી, આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં તા.9-2-72ના શુભ દિને ખંભાત તીર્થમાં 400 વર્ષ પછીનો એક સુવર્ણ ઇતિહાસ રચાયો હતો. એક જ માંડવે 24-24 પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરી રહ્યા હતા.તે 24 મુમુક્ષુઓમાં એક મુમુક્ષુ શ્રી નરેન્દ્રકુમાર હતા. જેમણે ભગિની શ્રી ઉષાની સાથે ત્યારે દીક્ષા ગ્રહણ કરી હતી.
મુમુક્ષુ નરેન્દ્રકુમાર જૈન શાસનના શિરતાજ આ.ભ.શ્રી રામચંદ્રસૂરીજી મ.ના શિષ્ય બાલમુનિ શ્રી નયવર્ધનવિજયજી મ. બન્યા જયારે બેન ઉષાબેન પૂ. વિદુષી સાધ્વીજી શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી શ્રી ઉદયપૂર્ણાશ્રીજી મ. બન્યા. પિતા નગીનદાસભાઇ તથા માતા સુશીલાબેનના અત્યુભ્ય સંસ્કારો અને મહાન ગુરૂદેવોના સાંનિધ્યમાં ઉછરેલા બંને પૂજયો સંયમ જીવનમાં નિર્મલ આત્મ પરિણતિ સાથે અનેક શકિતઓના ઉઘાડને પામતા ગયા અને જિનશાસનમાં પ્રભાવના પ્રસરાવતા ગયા.
આ.ભ.પૂ. નયવર્ધનસૂરીજી મહારાજાએ ક્ષત્રિયકુંડ તીર્થનો ઉદ્ધાર કરીને ઇતિહાસ રચ્યો છે. આ એ ભૂમિ છે. જયાં શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીએ સંયમ ગ્રહણ કર્યુ હતું. તે સંયમ સાધનાના પાવન પરમાણુઓથી પરમ પવિત્ર, બનેલી ભૂમિ પર જ તેઓશ્રીના સંયમ સુવર્ણ વર્ષનો શુભારંભ થઇ રહ્યો છે. ભારત વર્ષીય જિનશાસન સેવા સમિતિ દ્વારા મહોત્સવ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમ પ્રફુલભાઇ દોશીએ જણાવેલ છે.