ગુજરાતના ‘વિરાટ’ બજેટમાં’ના કોઈ નવા વેરા, ના કોઈ રાહત

03 March 2021 05:13 PM
Gujarat Gujarat budget
  • ગુજરાતના ‘વિરાટ’ બજેટમાં’ના કોઈ નવા વેરા, ના કોઈ રાહત

કોરોનાકાળ વખતની અનેકવિધ રાહતો તથા આર્થિક સ્થિતિને ટાંકી નાણાપ્રધાને ટેકસમાં બદલાવ ટાળ્યો : આરોગ્ય તથા શિક્ષણ માટે જંગી જોગવાઈ : નાના-મધ્યમ ઉદ્યોગો તથા ખેતી પર ‘ફોકસ’ : સૌની કલ્પસર સહિતની પાણી યોજનાઓ માટે કરોડો રૂપિયાની અંદાજપત્રીય ફાળવણી : પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી: કોલેજોનાં 3 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ: સાવજોની સુરક્ષા સંવર્ધન માટે 11 કરોડ: સોમનાથ, દ્વારકા, સોમનાથ ગીર સહિતના છ સ્થળો પર હેલીપોર્ટ વિકસાવવા ત્રણ કરોડની ફાળવણી : રાજકોટમાં ઓર્ગેનીક કલ્ચર માર્કેટ સ્થપાશે: ખેડુતોને શુન્ય દરે ધિરાણ ચાલુ રહેશે: 80 ને બદલે 75 ટકા દિવ્યાંગતા સહાયને પાત્ર : જન્માષ્ટમી-દિવાળીનાં તહેવારોમાં ખાદ્યતેલ વિતરણ: રાજકોટનાં માધાપર એસ.ટી બસ સ્ટેન્ડ માટે નાણાં જોગવાઈ: પોલીસ દળમાં નવી 3000 થી વધુ ભરતી, રાજકોટને પણ લાભ: બજેટનું કદ અત્યાર સુધીનું સૌથી મોટુ: રૂા.2.27 લાખ કરોડનું: કુંવરબાઈનું મામેરૂ યોજનામાં નાણાકીય સહાય વધારાઈ : બુલેટ ટ્રેન માટે 1520 કરોડ: નવી બસો-એમ્બ્યુલન્સ ખરીદાશે

ગાંધીનગર તા.3
ગુજરાતનાં અત્યાર સુધીનાં સૌથી મોટા રૂા.2.27 લાખ કરોડના બજેટમાં નાણાંપ્રધાન દ્વારા નવો કોઈ વેરાબોજ લાદવામાં આવ્યો નથી તેવી જ રીતે કોઈ રાહત પણ આપવામાં આવી નથી. રાજયના નાણાપ્રધાન નીતીન પટેલે આજે રાજય વિધાનસભામાં 2021-22 ના નવા નાણાકીય વર્ષનું બજેટ પેશ કર્યું હતુ. તેમાં પ્રવર્તમાન કરવેરા કે અન્ય કોઈ વેરા લક્ષી યોજનાઓમાં કોઈ બદલાવ કર્યો ન હતો.2.27 લાખ કરોડનું કદ ધરાવતાં અને 587.88 કરોડની અંદાજીત પુરાંત ધરાવતાં બજેટનાં પ્રવચનમાં તેઓએ કહ્યું કે કોરોનાને કારણે લોકોની આર્થિક પ્રવૃતિઓ પર અસર પડી હતી. આ તકે વિવિધ વર્ગોને વિવિધ વેરા-અન્ન વિતરણ સહીતની જુદી જુદી સહાય આપવામાં આવી હતી. વિજકર, સ્ટેમ્પ ડયુટી, મોટર વાહન કરમાં રાહત આપવામાં આવી હતી.વેપાર-ધંધા-ઉદ્યોગોને પુન:ધમધમતા કરવા પણ રાહતો આપવામાં આવી હતી. આ સંજોગોમાં નવા વર્ષનાં અંદાજપત્રમાં પ્રવર્તમાન વેરામાં કોઈ વધારો સુચવતો નથી. નવા કોઈ વેરાની દરખાસ્ત કરવામા આવતી નથી.


કોરોના કાળ બાદ લોકોની આર્થિક હાલત હજુ સંપૂર્ણ નોર્મલ થઈ નથી. ઉપરાંત ગુજરાતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે.તેવા સમયે સરકાર કોઈ નવા વેરાબોજ લાદવામાં નહી આવે તેવી અટકળો વ્યકત થતી હતી તે વાસ્તવિક બની હોય તેમ કોઈ વેરાબોજ નાખવામાં આવ્યો નથી. કોરોના કાળમાં વિવિધ રાહતો આપવામા આવી હોવાથી કોઈ રાહત પણ આપવામાં આવી નથી.


નવા નાણાકીય વર્ષના બજેટમાં કૃષિ-પશુપાલન ક્ષેત્ર માટે 7232 કરોડ, જળસંપતી માટે રૂા.5494 કરોડ, કલ્પસર માટે રૂા.1501 કરોડ, શિક્ષણ માટે 32719 તથા આરોગ્ય વિભાગ માટે 11323 કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી જ છે. સાથોસાથ શહેરી વિકાસ, પ્રવાસન, ઉર્જા, માર્ગ મકાન, પાણી પુરવઠા, પ્રવાસ યાત્રાધામ, પુરવઠા રમત ગમત, જેવા ક્ષેત્રો માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આંતરીક સુરક્ષા પર ફોકસ કરીને નવી પોલીસ ભરતી થશે. આજ રીતે સરકારી ક્ષેત્રે પાંચ વર્ષમાં બે લાખ તથા ખાનગી ક્ષેત્રમાં 20 લાખની ભરતી-રોજગારીનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement