વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહે વારંવાર ‘લઘુમતિ’ શબ્દ બોલતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો હોબાળો

03 March 2021 05:13 PM
Gujarat Rajkot
  • વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહે વારંવાર ‘લઘુમતિ’ શબ્દ બોલતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો હોબાળો

સરકાર એક જ સમાજને ટાર્ગેટ કરતાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: જો કે પ્રદીપસિંહે વળતો જવાબ આપતાં ગૃહનું વાતાવરણ ગરમાયું

ગાંધીનગર, તા.3
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વચ્ચે જોરદાર જામી પડી હતી. ગૃહમંત્રીએ ગુજસીટોક કાયદા વિશે બોલવા દરમિયાન વારંવાર ‘લઘુમતિ’ શબ્દ બોલતાં ગ્યાસુદ્દીન શેખ ઉશ્કેરાઈ ગયા હતા અને સ્પીકરને ફરિયાદ કરી હતી કે ગૃહમંત્રી તેમના ઉત્તરમાં વારંવાર લઘુમતિ શબ્દનો ઉપયોગ શા માટે કરે છે ?

માત્ર એક જ સમાજને ટાર્ગેટ કરવાની સંકુચિત માનસિકતા ધરાવતી વિચારધારા બિલકુલ વ્યાજબી નથી તેવું નિવેદન આપતાં જ ગૃહનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. ત્યારબાદ પ્રદીપસિંહે કહ્યું હતું કે ભાજપ લઘુમતિ સમાજ માટે કોઈ ભેદભાવ રાખતો નથી. તમારી કોંગ્રેસે લઘુમતિ સમાજની બહુમતિના ચશ્માથી તમે જુઓ છે તેવું કહેતાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. આ પછી સ્પીકરે દરમિયાનગીરી કરી શાંતિ જાળવવાની ટકોર કરતાં મામલો થાળે પડ્યો હતો.

પ્રદીપસિંહે ગુજસીટોક કાયદા અન્વયે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્ર્નનો જવાબમાં આપતાં કહ્યું હતું કે રૂપાણીની સરકારે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ હેઠળ કાયદો બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. એટલું જ નહીં કોંગ્રેસના વિરોધના કારણે કાયદો અમલી બનાવવા માટે સરકારની આંખે પાણી આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષે લઘુમતિઓ માટે તૃષ્ટિકરણની રાજનીતિને છાવરવા કાયદાનો વિરોધ કરી રહી છે.

આ નિવેદન બાદ કોંગ્રેસ-ભાજપ વચ્ચે જામી પડી હતી. ગૃહમાં ચર્ચા દરમિયાન પ્રદીપસિંહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલા જ્વલંત વિજયને વધાવતાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જ્વલંત વિજય આજે ગુજરાતના ગામડાઓમાં ઐતિહાસિક વિજયોત્સવ બની ગયો છે. તેમના આ નિવેદન બાદ ભાજપ ધારાસભ્યોએ પાટલી થપથપાવી નિવેદનને આવકાર્યું હતું.


Related News

Loading...
Advertisement