રાજકોટ તા.3
નાણામંત્રીએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં રાજયનો કોઈપણ તાલુકો પીવાના પાણીના સોર્સ વિના ના રહે તે માટે આયોજન તેમજ અમલવારી કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે નર્મદા કેનાલ તેમજ મોટા ડેમ આધારીત પાઈપલાઈન મારફતે ખાતરીપૂર્વકના સોર્સ ઉભા કરવામાં આવશે.
શહેરીકરણનો વધતો જતો વ્યાપ ધ્યાને લઈ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની આસપાસના ઓ.જી.વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ માટે શહેરી સતામંડળ સાથે સંયુકત રીતે ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવશે જે માટે રૂા.3974 કરોડ ફાળવાયા છે.
* સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કીલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે રૂા.675 કરોડની જોગવાઈ.
* સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે ચાર જગ્યાએ 27 કરોડ લીટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂા.300 કરોડની જોગવાઈ.
* હર ઘર જલ યોજનામાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાઓની 100% કામગીરી પૂર્ણ થયેલ છે. રાજયની બાકી રહેલ 17 લાખ 78 હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પુરું પાડવાના આયોજન અંતર્ગત રૂા.300 કરોડની જોગવાઈ.
* અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગીક ગંદા પાણીના વહન માટે અંદાજે રૂા.22775 કરોડના પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે.