હવે 75%: દિવ્યાંગતામાં રૂા.1000ની સહાય; લગ્ન માટે પણ મદદ

03 March 2021 05:05 PM
Budget 2021 Gujarat budget
  • હવે 75%: દિવ્યાંગતામાં રૂા.1000ની સહાય; લગ્ન માટે પણ મદદ

રાજય સરકાર દ્વારા સામાજીક સહાયની યોજનામાં વધારો થયો : વૃદ્ધ નિરાધાર-વયવંદન યોજના માટે રૂા.1032 કરોડ : સાતફેરા સમૂહ લગ્ન માટે રૂા.10 કરોડની જોગવાઈ : દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરી યોજના ચાલું રહેશે : સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરને હવે દિવ્યાંગતામાં સમાવાયા

રાજકોટ: ગુજરાતમાં રાજય સરકાર દ્વારા વૃદ્ધો, દિવ્યાંગો, પછાત વર્ગના વિદ્યાર્થીઓ, કન્યા કેળવણી યોજનામાં સાયકલ આપવા તથા સાતફેરા સમૂહ લગ્ન માટેની વિવિધ સામાજીક યોજનામાં પણ રૂા.4523 કરોડની ખાસ ફાળવણી કરવામાં આવી છે જેનો લાભ આ વર્ગને વ્યાપકપણે મળશે.

* વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂા.1032 કરોડની જોગવાઈ.

* પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતીના કુલ ઓગણચાલીસ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અને ગણવેશ સહાય તથા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા છ લાખ ત્રેસઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂા.549 કરોડની જોગવાઈ.

* આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ સહાય આપવા રૂા.159 કરોડની જોગવાઈ.

* ધોરણ-9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે એક લાખ બ્યાંશી હજાર ક્ધયાઓને વિનામૂલ્યે સાયકલ આપતી સરસ્વતી સાધના યોજના હેઠળ રૂા.71 કરોડની જોગવાઈ.

* દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃતિ, દિવ્યાંગ સ્વરોજગારી અને એસ.ટી. બસમાં મફત મુસાફરી માટેની યોજના હેઠળ રૂા.53 કરોડની જોગવાઈ.

* માનવ ગરીમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિના 14 હજાર લાભાર્થીઓને અને વિકસતી જાતિના 20 હજાર લાભાર્થીઓને સાધનો પુરાં પાડવા માટે રૂા.44 કરોડની જોગવાઈ.

* રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂા.19 કરોડની જોગવાઈ.

* સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂા.10 કરોડની જોગવાઈ.

* 80 ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂા.1000 પેન્શન આપવામાં આવે છે. હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી 80 ટકાથી ઘટાડીને 75 ટકા કરવાની હું જાહેરાત કરું છું. વધુમાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યક્તિઓને પેન્શનનો લાભ મળશે. જે માટે રૂા.9 કરોડની જોગવાઈ.

* દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે રૂા.8 કરોડની જોગવાઈ.

* ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમરસ છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂા.1 કરોડની જોગવાઈ.

* જુવેનાઈલ જસ્ટીસ ફંડ મારફત મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને સહાય અને પુનર્વસન માટે રૂા.1 કરોડની જોગવાઈ.


Related News

Loading...
Advertisement