કાલે બે વોર્ડ-શુક્રવારે ત્રણ વોર્ડમાં પાણી બંધ

03 March 2021 04:13 PM
Rajkot
  • કાલે બે વોર્ડ-શુક્રવારે ત્રણ વોર્ડમાં પાણી બંધ

વોર્ડ નં.7-13 પાર્ટમાં ગુરૂવારે પાણી નહીં મળે : બાકીના વોર્ડ નં.7,14,17માં શુક્રવારે વિતરણ નહીં થાય

રાજકોટ, તા. 3
રાજકોટ મહાનગરમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ અન્ય વોર્ડમાં વધુ એક વખત ટેકનીકલ કારણોથી પાણી બંધ રાખવા નકકી કરવામાં આવ્યું છે. આવતીકાલે ગુરૂવારે બે વોર્ડ અને શુક્રવારે ત્રણ પાર્ટ વોર્ડમાં પાણી વિતરણ નહીં થાય તેવું કોર્પોરેશને જાહેર કર્યુ છે.મનપાના વોટર વર્કસ શાખાના એડી.સીટી ઇજનેરની સત્તાવાર યાદી મુજબ સેન્ટ્રલ ઝોન વોટર વર્કસ હેઠળના ગુરૂકુળ પમ્પીંગ સ્ટેશન પર ગોંડલ રોડ સાઇટ નવો બાયપાસ વાલ્વ મુકવાની કામગીરી કરવાની છે. આથી આવતીકાલ તા.4ના ગુરૂવારે ગુરૂકુળ હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં.7 પાર્ટ અને 13 પાર્ટમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. જુના રાજકોટના વોર્ડ નં.7ના ઢેબર રોડ, પરાબજાર, જયુબીલી આસપાસના વિસ્તારોમાં આ કારણે પાણી નહીં મળે તો વોર્ડ નં.13માં ગોંડલ રોડ પર માલવીયા કોલેજ પાછળના અર્ધા વિસ્તારોમાં પાણી બંધ રહેશે.


વધુમાં તા.પના શુક્રવારે પણ આ જ કારણોથી લાગુ વોર્ડમાં પાણી બંધ રાખવું પડે તેમ છે. ઢેબર રોડ પરના બાકીના વોર્ડ નં.7 પાર્ટમાં શુક્રવારે પાણી નહીં મળે. એટલે કે બે દિવસમાં પાર્ટ વાઇઝ પુરા વોર્ડ નં.7માં પાણી બંધ રહેવાનું છે. આ સાથે જ શુક્રવારે વોર્ડ નં.14 પાર્ટ એટલે કે કેનાલ રોડથી સોરઠીયાવાડી તરફના ઘણા ભાગોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. તો આગળ જતા કોઠારીયા રોડના વોર્ડ નં.17 પાર્ટમાં પણ પાણી બંધ રહેવાનું છે. નિલકંઠ ટોકીઝથી આગળ જતા કોઠારીયા રોડ તરફના અર્ધા વિસ્તારમાં શુક્રવારે પાણી પુરવઠો નહીં મળે.આ રીતે છેલ્લા દસ દિવસમાં બીજી વખત અલગ અલગ વોર્ડમાં જુદા જુદા કારણોથી પાણી બંધ રાખવામાં આવનાર છે. ચૂંટણી પુરી થતા મનપા દ્વારા હવે અનિવાર્ય ટેકનીકલ કામગીરી હાથ પર લેવામાં આવતા તબકકાવાર પાણી બંધ રખાઇ રહ્યું છે.


Related News

Loading...
Advertisement