રાજકોટ તા.3
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાંથી પ્રિમીયમ-નવી જુની શરત અને બિનખેતીની ઓનલાઇન અરજીઓની પ્રાથમિક ચકાસણી કરી મંજૂર-નામંજૂર કરવા માટે હવે રાજકોટ કલેકટર કચેરીમાં ખાસ સેટઅપ ઉભુ કરવાનું રાજય સરકારે નક્કી કરી તથા નવા વર્ષ 2021-22ના બજેટમાં ખાસ ફૂડની જોગવાઇ કરતી જાહેરાત કરી છે. આજે નાણામંત્રી નીતિનભાઇ પટેલે બજેટમાં મહેસુલ વિભાગના આધુનિકરણ માટે 4548 કરોડની જોગવાઇ કરતી ઘોષણા કરી છે.હાલમાં આઇઓરા સોફટવેરના માઘ્યમથી રાજકોટ સહિત રાજયભરના તમામ જિલ્લાઓમાંથી નવી જુની શરત-બિનખેતી-પ્રિમીયમની અરજીઓ ગાંધીનગર ખાતે પ્રાથમિક ચકાસણી કરાયા બાદ જે-તે જિલ્લામાં મોકલવામાં આવે છે. કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવા માટે હવે રાજકોટમાં આવી અરજીઓની પ્રાથમિક ચકાસણી કરાશે અને સૌરાષ્ટ્રભરના જિલ્લાઓની આવી અરજીઓ રાજકોટથી મંજુર-નામંજૂર કરાશે આ માટે સેટઅપ ઉભુ કરવામાં આવશે.
રાજયના નાણામંત્રીએ બજેટમાં મહેસુલ ખાતા માટે 4548 કરોડની જોગવાઇ કરી મહેસુલને અતિ આધુનિક બનાવવાની જાહેરાત કરતા નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસના કારણે રાજયમાં આર્થિક, સામાજીક, વ્યાપારી અને ખેતીવાડી પ્રવૃતિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ આ બધી પ્રવૃતિઓ માટે જરૂરી માળખુ ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોતર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જમીન ધારકોને ભૂ-માફીયાઓથી રક્ષણ આપવા માટે અમારી ખેડૂતલક્ષી સરકારે જમીન પચાવી પાડવાની પ્રવૃતિઓને અટકાવવા અને તેની સાથે સંકળાયેલી બાબતો ઉપર પ્રતિબંધ મુકવાના ઉદેશથી ગુજરાત રાજય જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં મુકેલ છે.
રાજયના 16 જિલ્લાઓમાં મહેસુલ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓ તથા સ્ટાફ કવાટર્સના મકાનોના બાંધકામ માટે કુલ રૂા.39 કરોડની જોગવાઇ ખેતીની જમીનની માપણી આધુનિક પઘ્ધતિથી સચોટપણે થાય તે માટે વધુ 131 નવા ડીજીપીએસ મશીનો વસાવવા રૂા.33 કરોડની જોગવાઇ રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી માટે આવતા પક્ષકારોને મૂળભૂત અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 26 સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી બનાવવા માટે રૂા.8 કરોડની જોગવાઇ કરી છે.
પૂર-અછતની રાહત સંદર્ભે જે તે વિસ્તારને સહાય માટેની પ્રાથમિકતા આપી શકાય તે હેતુથી રેઇન ગેજ સ્ટેશનોની સંખ્યા વધારવા માટે કુલ રૂા.પ કરોડની જોગવાઇ કરી છે.મહેસુલી સેવાઓ ઇ-ગર્વનન્સ તથા અદ્યતન ટેકનોલોજીથી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે માટે મહત્વની ભૂમિકા ભજવતા આઇ-ઓરા પોર્ટલને સુદ્રઢ કરવા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં મહેકમ ઉભુ કરવા માટે 2 કરોડની જોગવાઇ કરી છે.