નવીદિલ્હી, તા.3
ફૂડ ડિલિવરી કરવાની આડમાં રેકી કરી ઘરમાં ચોરી કરનારા બે હોમ ડિલિવરી બોયને નોઈડાની સેક્ટર-39 પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓના કબજામાંથી એલઈડી, ઘડિયાલ સહિત ચોરીના પૈસાથી ખરીદાયેલી બાઈક અને ચોરી માટે ઉપયોગ કરાયેલા હથિયારો કબજે કર્યા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ મોકલી દીધા છે.
પોલીસે નોઈડા સેક્ટર-46ની માર્કેટના ટી-પોઈન્ટ પાસેથી મોહમ્મદ કાફિલ અને રવિશંકરને પકડ્યા છે. આ બન્ને આરોપી ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગીમાં કામ કરે છે. બન્ને જે ઘરમાં ભોજન પહોંચાડતા હતા તેની આસપાસ રહેલા બંધ ઘરની રેકી કરતા હતા. ત્યારબાદ ઘરના તાળા તોડીને ચોરી કરતા હતા. આરોપી ચોરી કર્યા બાદ ભાગ પાડી લેતા હતા. આ બન્ને ગોલ્ફ કોર્સની આસપાસના વિસ્તારમાં ભોજન ડિલિવરી કરતા હતા.
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પાછલા મહિને સેક્ટર-45માં કારોબારી યથીશ અગ્રવાલના ઘેર પણ આ જ પ્રકારે ચોરી કરી હતી. ત્યાંથી અંદાજે દોઢ લાખની રોકડ, ઘડિયાલ, એલઈડી સહિતના સામાનની ચોરી કરી લીધી હતી. ચોરી કરાયેલા પૈસાથી તેમણે એક બાઈક ખરીદયું હતું. પોલીસે બાઈક પણ કબજે લીધું છે. આ સાથે જ એક વ્યક્તિ છે જે ચોરીના માલને ઠેકાણે પાડવાનું કામ કરે છે. તે આરોપી બુલંદશહરનો રહેવાસી છે જેને પકડવા માટે તજવીજ શરૂ કરાઈ છે.