ખંભાળીયા પાલિકામાં ભાજપનો જય જય કાર : કોંગ્રેસનો કારમો પરાજય

03 March 2021 03:41 PM
Jamnagar ELECTIONS 2021
  • ખંભાળીયા પાલિકામાં ભાજપનો જય જય કાર : કોંગ્રેસનો કારમો પરાજય
  • ખંભાળીયા પાલિકામાં ભાજપનો જય જય કાર : કોંગ્રેસનો કારમો પરાજય
  • ખંભાળીયા પાલિકામાં ભાજપનો જય જય કાર : કોંગ્રેસનો કારમો પરાજય

ભાજપ દ્વારા નવયુવાનોને મેદાનમાં ઉતારવાનો વ્યુહ સફળ રહ્યો : કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારો હારી જતા સન્નાટો

જામખંભાળીયા તા.3
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા નગરપાલિકાનું રાજકારણ સમગ્ર જિલ્લાના રાજકારણમાં હંમેશ પેચિદુ તથા ઉત્તેજનાસભર બની રહે છે. ખંભાળિયા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આ વખતે 60 ટકા જેટલું મતદાન થયા બાદ ભાજપના હોદેદારો દ્વારા તોતિંગ લીડની આત્મવિશ્વાસ તથા ગણતરીપૂર્વક કરવામાં આવેલી આગાહી સંપૂર્ણપણે સાચી ઠરી હતી. નગરપાલિકાની 28 પૈકી નોંધપાત્ર 26 બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે કોંગ્રેસ જાણે નામશેષ થઈ રહી હોય તેવી પરિસ્થિતિમાં માત્ર એક જ ઉમેદવાર વિજેતા બન્યો છે. લાંબા સમય બાદ બહુજન સમાજ પાર્ટીએ ખાતું ખોલાવ્યું હોય તેમ એક ઉમેદવાર વિજેતા બન્યો છે.


ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલ મેઘજી પેથરાજ છાત્રાલય ખાતે યોજાઈ ગયેલી નગરપાલિકાની મતગણતરીમાં ગઈકાલે સવારથી જ લોકોના ટોળા તથા શહેરમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો હતો. સૌપ્રથમ આવેલા વોર્ડ નંબર 1 ના પરિણામમાં ચાર પૈકી એક બેઠક કોંગ્રેસના ઉમેદવારને પ્રાપ્ત થતા કોંગી છાવણી ગેલમાં આવી ગઈ હતી. પરંતુ ક્રમશ: બીજા તથા ત્રીજા વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા થઈ હતી. ત્યારે વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસના એકમાત્ર લડવૈયા સુભાષ પોપટના કારમા પરાજય સાથે બહુજન સમાજ પાર્ટીના એક મહિલા ઉમેદવાર વિજેતા થયા હતા. આ પછી વોર્ડ નંબર 5, 6 તથા 7 મા ભાજપના ઉમેદવારો પેનલ- ટુ- પેનલ વિજેતા થયાહતા.આમ, ખંભાળિયા નગરપાલિકાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત 28 પૈકી 26 બેઠક પર ભાજપનું કમળ છવાયું હતું. જ્યારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક બેઠક મળી હતી. આટલું જ નહીં, આમ આદમી પાર્ટીના તમામ સભ્યો હારી ગયા હતા.


ભાજપ દ્વારા નવયુવાનોને ટિકિટ: ઉમેદવારો વિજેતા
ખંભાળિયા નગરપાલિકાની પડકારરૂપ વોર્ડ નંબર 5 ની બેઠક માટે ભાજપ દ્વારા અહીંના તરવરિયા અને નિષ્ઠાવાન યુવાન મહેશભાઈ રાડીયા તથા તદ્દન નવા ચહેરા અરજણભાઈ ગાગીયાને ટિકિટ આપવામાં આવી હતી. આ વોર્ડમાં અગાઉ ચૂંટાઈ આવેલા કિન્નર ઉમેદવાર વાસંતીદે નાયક તથા અહીંના પીઢ રઘુવંશી આગેવાનના અન્ય બે ઉમેદવારો સહિતના સામા પવનને નોંધપાત્ર ટક્કર આપી, ભાજપની આખી પેનલ વિજેતા થઈ હતી. સમગ્ર શહેરમાં આ પેનલ પ્રત્યે લોકોને ઇંતેજારી રહી હતી.


આ ઉપરાંત શહેરમાં આશરે બે દાયકાથી વધુ સમયથી ચૂંટણી જંગ ખેલતા અને પૂર્વ પ્રમુખ મોટાણી પરિવારના રચનાબેન મોહિતભાઈ મોટાણીએ શહેરમાં સૌથી વધુ 1925 મત મેળવી વિજય ડંકો વગાડ્યો હતો. જોકે ટકાવારીમાં વોટશેર સમગ્ર શહેરમાં વોર્ડ નંબર સાતના સિનિયર અને નિષ્ઠાવાન સક્રિય સભ્ય જગુભાઈ રાયચુરાનો 1585 રહ્યો હતો.આ ઉપરાંત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા જિલ્લા ભાજપ મહામંત્રી પરિવારના શૈલેષભાઈ કણજારીયા તથા અગાઉ તેમના પિતાશ્રી પણ નગરપાલિકાના સભ્ય રહી ચૂક્યા છે, અને છેલ્લા આશરે પાંચ દાયકાથી તેઓની આ વિજયયાત્રા ચાલુ રહી હતી અને વોર્ડ નંબર છ માંથી નવા ચહેરા વિજયભાઈ કણજારીયાએ નોંધપાત્ર 1821 મેળવ્યા હતા.


ભાજપનો વોર્ડ નં. 1 નો દાવ મહદ્ અંશે સફળ રહયો
ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં અગાઉ મહદ્ અંશે કોંગી ઉમેદવારો જ પેનલ- ટુ- પેનલ વિજેતા બનતા હતા. પરંતુ આ વખતે ભાજપ દ્વારા ખાસ રણનીતિ અપનાવી અને ચોક્કસ પ્રકારની સમજૂતીથી ટિકિટ ફાળવણી કરતાં આ વખતે વોર્ડ નંબર 1 માંથી ભાજપના ત્રણ સભ્યો વિજેતા બન્યા છે. જ્યારે આ વિસ્તારના અગ્રણીના કેટલાક પાસાઓ પોબારા ન પડતા કોંગ્રેસના ઉમેદવાર વિજય મેળવવામાં સફળ બન્યા છે.


ટિકિટ ફાળવણીનો યક્ષપ્રશ્ન સૂઝપૂર્વક ઉકેલાયો અને ભાજપને મળી ભવ્ય જીત
ખંભાળિયા નગરપાલિકામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે 132 જેટલા દાવેદારો મેદાનમાં આવ્યા હતા. પરંતુ ઉમેદવારોની ટકોરાબંધ પસંદગી માટે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, નિરીક્ષક પ્રદિપભાઇ ખીમાણી તથા મોહનભાઈ બારાઈની આગેવાની હેઠળ આ મહત્વની કામગીરી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા ખૂબ સૂઝબૂઝપૂર્વક કરવામાં આવતા આ પસંદગીના પરિણામે 28 પૈકી 26 બેઠકો કબજે કરવામાં ભાજપને નોંધપાત્ર સફળતા મળી છે.


કોંગ્રેસના આગેવાનો હાર્યા: કોંગી છાવણીમાં સોપો
ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ નકુમ તથા તેમના ધર્મપત્ની નંબર 4 માંથી તથા જિલ્લા પંચાયતના તત્કાલીન સભ્ય અને કોંગ્રેસના નેતા એભાભાઈ કરમુરના પુત્રવધુ વોર્ડ નં. 3 માંથી પરાજિત થયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠક પૈકી માત્ર ચોવીસ બેઠકમાં જ કોંગ્રેસના ઉમેદવારો લડ્યા હતા. જે પૈકી માત્ર એક ઉમેદવાર જ વિજેતા બન્યા છે. આમ, સાવ હાંસિયામાં ધકેલાઈ રહેલા કોંગ્રેસ પક્ષના કરુણ રકાસે પણ શહેરમાં ભારે ચકચાર જગાવી છે.


ખંભાળિયા નગરપાલિકા વિજેતા ઉમેદવારોની નામાવલી
વોર્ડ નં. 1
1- લાખીબેન આલાભાઈ પતાણી (કોંગ્રેસ) 1153 મત
2- મીનાબા રવિન્દ્રસિંહ જાડેજા (ભાજપ) 1116 મત
3- ઈતિયાઝખાન મહમદખાન લોદીન (ભાજ5) 1513 મત
4- મહમદ હનીફ અબુ ભોકલ (ભાજપ) 1416 મત
વોર્ડ નં. 2
5- અમૃતબેન શંકરભાઈ ઠાકર (ભાજપ) 1360 મત
6- રસીલાબેન કારૂભાઈ માવદીયા (ભાજપ) 1255 મત
7- વિષ્ણુ ગોપાલ પતાણી (ભાજપ) 1355 મત
8- અફજલ ઈશાભાઈ ઘાવડા (ભાજપ) 1435 મત
વોર્ડ નં. 3
9- મુક્તાબેન કિશોરભાઈ નકુમ (ભાજપ) 1314 મત
10- હંસાબા ભીખુભા જેઠવા (ભાજપ) 1303 મત
11- દિપેશભાઈ પરસોતમ ગોકાણી (ભાજપ) 1416 મત
12- હરેશભાઈ મોહનભાઈ ભટ્ટ (ભાજપ) 1261 મત
વોર્ડ નં. 4
13- હંસાબેન હરેશભાઈ બથવાર (ભાજપ) 721 મત
14- રેખાબેન જટાશંકર ખેતીયા (ભાજપ) 1218 મત
15- અરજણભાઈ રામભાઈ ગાગીયા (ભાજપ) 1039 મત
16 ઝાહીરાબેન નુરમામદ પરીયાણીબ(બસપા) 953 મત
વોર્ડ નં. 5
17- ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર (ભાજપ) 1264 મત
18- કોમલબેન અમિત દત્તાણી (ભાજપ) 1359 મત
19 દિલીપકુમાર મનસુખભાઈ ઘઘડા (ભાજપ) 1189 મત
20- મહેશ શશીકાન્ત રાડીયા (ભાજપ) 1154 મત
વોર્ડ નં. 6
21- રચના મોહીત મોટાણી (ભાજપ) 1925 મત
22- સોનલબેન નાથાભાઈ વાનરીયા (ભાજપ) 1779 મત
23- મહેશ રવજીભાઈ ધોરીયા (ભાજપ) 1782 મત
24- વિજય નારણભાઈ કણઝારીયા (ભાજપ) 1821 મત
વોર્ડ નં. 7
25- હિનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય (ભાજપ) 1264 મત
26- રશ્મિબેન જયેશભાઈ ગોકાણી (ભાજપ) 1240 મત
27- રમેશભાઈ સુંદરજી રાયચુરા (જગુભાઈ રાયચુરા) (ભાજપ) 1585 મત
28- હિતેશ દ્વારકાદાસ ગોકાણી (ભાજપ) 1293 મત.


Related News

Loading...
Advertisement