જૈક મા ટોચના અબજોપતિના લિસ્ટમાંથી ગાયબ: જિનપિંગ સાથેનો ડખ્ખો ભારે પડી ગયો

03 March 2021 03:15 PM
World
  • જૈક મા ટોચના અબજોપતિના લિસ્ટમાંથી ગાયબ: જિનપિંગ સાથેનો ડખ્ખો ભારે પડી ગયો

સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ જૈક માની સંપતિની તપાસ શરૂ કરી દેવાઈ’તી: હવે ટોચના અમીરનું સ્થાન પણ ગુમાવ્યું

નવીદિલ્હી, તા.3
ક્યારેક દુનિયાના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ અલીબાબા અને એન્ટ ગ્રુપના સંસ્થાપક જૈક માને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિવાદ કરવો ભારે પડી ગયો છે. જૈક માએ હવે ચીનના ટોચના અબજપતિ હોવાનો દરજ્જો ગુમાવી દીધો છે. જાહેર થયેલી યાદીમાં જૈક મા સાથેના ઉદ્યોગપતિ કમાણીનો રેકોર્ડ બનાવી રહ્યા છે પરંતુ આ યાદીમાં અલીબાબાના સંસ્થાપક ચોથા સ્થાને ચાલ્યા ગયા છે. ચીન સરકાર જૈક માના સંપૂર્ણ સામ્રાજ્યની તપાસમાં લાગી ગઈ છે.

ચીનના સૌથી ધનીક લોકોની યાદી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં વર્ષ 2020 અને 2019માં જૈક મા અને તેના પરિવારની કુલ સંપતિ સૌથી વધુ હતી. હવે તાજી યાદીમાં જૈક મા ચોથા સ્થાને પહોંચી ગયા છે. યાદીમાં વોટર કંપની નોનગ્ફુ સ્પ્રિંગના માલિક ઝોંગ શાનશાન, ટેનસેન્ટર કંપનીના પોની મા અને ઈ-કોમર્સ કંપની પિનડુઓડુઓના માલિક કોલિન હુઆંગ સૌથી ઉપર છે.

જૈક માનો ટોચના ઉદ્યોગપતિ હોવાનો દરજ્જો એવા સમયે ખતમ થયો છે જ્યારે ચીન સરકાર તેની કંપની એન્ટ ગ્રુપ અને અલીબાબા વિરુદ્ધ તપાસ કરી રહી છે. જૈક મા વિરુદ્ધ આ તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે તેણે 24 ઓક્ટોબરે શાંઘાઈમાં એક ભાષણ આપ્યું હતું. જૈક માએ દેશના ‘વ્યાજખોર’ નીતિ નિયામકો અને સરકારી બેન્કોની પોતાના ભાષણમાં આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. દુનિયાભરમાં કરોડો લોકોના આદર્શ રહેલા જૈક માએ સરકારને આહ્વાન કર્યું હતું કે આવી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે જે નવા બિઝનેસને આવતો રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement