(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.3
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સીંધાવદર ગામે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે રેડ કરી હતી.ત્યારે ત્યાં જાહેરમાં હનુમાન મંદિર પાસે જુગાર રમી રહેલા જયંતીભાઈ કરસનભાઈ મકવાણા (18), ગિરિરાજ ખેંગારભીઇ મકવાણા (18) અને ગિરીશ તુલસીભાઇ મકવાણા (38) રહે.ત્રણેય સીંધાવદર તા.જી.મોરબી વાળાઓને જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય રોકડા રૂપિયા 2170 સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને તેઓની વિરૂદ્ધ જુગારધારા કલમ-12 હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
વૃદ્ધો સારવારમાં
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અમૃતલાલ હરિશંકરભાઈ રાવલ નામના 60 વર્ષીય વૃદ્ધ બપોરના બારેક વાગ્યાના અરસામાં રવાપર રોડ ઉપર આવેલ ચકીયા હનુમાન મંદિર પાસેથી સાયકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ સાયકલમાંથી પડી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યારે માળિયા મિંયાણાના બોડકી ગામે રહેતા હલુબેન ઉમરભાઈ સંધિ નામની 50 વર્ષીય આધેડ મહિલાને અજાણ્યા બાઇક ચાલકે મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતા ત્યારે હડફેટે લીધા હતા જેથી કરીને હલુબેન નામની મહિલાને સારવારમાં અત્રેની આયુષ હોસ્પીટલે લઇ જવાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડી પાસે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને મજૂરીકામ કરતો પ્રકાશ રમેશભાઈ વસુનિયા નામનો 28 વર્ષનો આદિવાસી યુવાન લખધીપુર રોડ ઉપરથી મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે તેના મોટરસાયકલની આડે ઓચિંતું કુતરૂ આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત થયેલ પ્રકાશ વસુનિયાને સારવારમાં ખસેડાયો હતો.