ગુજરાતનું સૌથી મોટુ 2.27 લાખ કરોડનું બજેટ: 587.88 કરોડની પુરાંત

03 March 2021 02:10 PM
Gujarat
  • ગુજરાતનું સૌથી મોટુ 2.27 લાખ કરોડનું બજેટ: 587.88 કરોડની પુરાંત

વિધાનસભામાં રાજયનું નવા નાણાકીય વર્ષનું બજેટ પેશ: નીતીન પટેલનું 9મુ અંદાજપત્ર : આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, ઉદ્યોગો, સોલાર, બંદર, વિજળી, સિંચાઈ સહિતના ક્ષેત્રો માટે મોટી જોગવાઈ :ઈલેકટ્રીક વાહનોમાં સબસીડી, જન્માષ્ટમી-દિવાળીએ ખાદ્યતેલ વિતરણ સહિત અનેકવિધ યોજનાઓ જાહેર : 5 વર્ષમાં બે લાખ સરકારી ભરતી: કોલેજ છાત્રોને ટેબલેટ

ગાંધીનગર તા.3
ગુજરાતના નાણાપ્રધાન નીતીન પટેલે રાજયનું અત્યાર સુધીનું સૌથી મોટુ 2.23 લાખ કરોડનું બજેટ પેશ કર્યુ હતું અને નવા નાણાકીય વર્ષમાં 587.88 કરોડની પુરાંત રહેવાનો અંદાજ દર્શાવ્યો છે. આવતા પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની સરકારી વિભાગોમાં ભરતી કરવા, તહેવારોમાં કપાસીયા તેલ આપવા, મેટ્રો સેવા વધુ શહેરોમાં શરૂ કરવા, ઈલેકટ્રીક વાહનો માટે સબસીડી સહિતની અનેકવિધ દરખાસ્તો કરી છે. ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ જેવા ક્ષેત્રો માટે અનેકવિધ જોગવાઈઓ સાથે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે.


રાજયના 2021-22ના નવા નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજુ કરતા નાણાંપ્રધાન નીતીન પટેલે કહ્યું કે કોરોનાના કપરા કાળમાં પણ રાજયની વિકાસયાત્રાને જાળવી રાખી છે અને તેને વધુ વેગવંતી બનાવવા માટે અત્યાર સુધીનું સૌથી મોટુ 2,27,029 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.


નવા નાણાકીય વર્ષમાં 167969.40 કરોડની મહેસુલી આવક સામે 166760.80 કરોડનો મહેસુલી ખર્ચ થશે. મહેસુલી પુરાંત 1208.60 કરોડની રહેશે. મુળ આવક 50751 કરોડની અંદાજવામાં આવી છે જયારે લોન-પેશગી સહિતનો મૂડી ખર્ચ 56571.72 કરોડ રહેશે તેમાં 5820.72 કરોડની ખાધ રહેવાનો અંદાજ છે. 5200 કરોડના ચોખ્ખા જાહેર હિસાબને ધ્યાને લેતા 587.88 કરોડની પુરાંત રહેવાનું અનુમાન છે.


બજેટ પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે ગુજરાતને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવા, વિકાસયાત્રાને આગળ ધપાવવા સહિત અનેક લક્ષ્યાંકો નકકી કરવામાં આવ્યા છે. છેલ્લા બે દાયકા દરમ્યાન ભાજપ સરકાર દ્વારા તમામે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. કોરોનાકાળના કપરા સમયમાં પણ સરકારે 14000 કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યુ હતું.


તેઓએ કહ્યું કે સામાજીક જવાબદારી નિભાવવા તથા સરકારી-અર્ધસરકારી સેવામાં યુવાવર્ગને સમાવવા માટે આવતા પાંચ વર્ષમાં સરકારી સેવાઓમાં બે લાખ યુવકોની ભરતી કરવામાં આવશે. આ સિવાય વેપારધંધા ધમધમી રહ્યા છે. ખાનગી ક્ષેત્રમાં રોજગારી સર્જન માટે સરકારે પ્લેટફોર્મ પુરુ પાડયું છે. આવતા પાંચ વર્ષમાં મેન્યુફેકચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનીયરીંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી, પ્રવાસન, હોટેલ, ફુડ પ્રોસેસીંગ, બેંકીંગ અને સર્વિસ સેકટરમાં 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે.


નવા વર્ષના અંદાજપત્રમાં આરોગ્ય, શૈક્ષણિક, પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ સુદ્રઢ બનાવવા તથા રસ્તા-સિંચાઈ-વિજળી-બંદર જેવા ક્ષેત્રોના વિકાસ માટે માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવા ખાસ ભાર મુકાયો છે.


Related News

Loading...
Advertisement