રાજકોટ તા.3
ગુજરાતમાં કોર્પોરેશનો બાદ પંચાયત-પાલિકાઓમાં પણ કોંગ્રેસનાં ધબડકાને પગલે પ્રદેશ પ્રમુખપદેથી અમીત ચાવડા તથા વિપક્ષી નેતાપદેથી પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા છે ત્યારે હવે હવાલો કોને સોંપવામાં આવે તે વિશે રાજકીય ચર્ચાએ જોર પકડયુ છે. હાર્દિક પટેલ જેવા યુવા નેતાને સમગ્ર હવાલો સોંપવાનો પ્રયોગ કરાશે કે ભરતસિંહ સોલંકી કે શકિતસિંહ ગોહીલ જેવા પીઢ સીનીયર નેતાને કમાન સોંપાશે તે વિશે અટકળો છે.
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસનો ગુજરાતમાં સુર્યાસ્ત થયાનો ઘાટ ઘડાયો છે. છ મહાનગરોની ચૂંટણીમાં હાર પછી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ ધબડકો થયો છે જેને પગલે નૈતિક જવાબદારી સ્વીકારીને અમીત ચાવડા તથા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા છે. હાઈ કમાંડે તેનો સ્વીકાર કરી લીધાનું સુચક છે. જોકે નવી નિમણુંકો થતા સુધી ચાલુ રહેવાની સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં ઘણા વખતથી પાર્ટીનાં આગેવાનો કે કાર્યકરોમાં નવુ જોમ ભરી શકે કે લોકોને આકર્ષી શકે તેવા મોટા નેતાની ઉણપ વર્તાતી જ હતી.
નેતાઓના ચહેરા કે રણનીતી પ્રભાવ પાડી શકયા નથી જયારે યુવા નેતાઓને કમાન સોંપવા એક વર્ગે હાઈ કમાંડને સુચવ્યુ હતું. હવે ફાયરબ્રાંડ યુવા નેતા હાર્દિક પટેલને મોટી ભૂમિકા અપાશે કે કેમ તે વિશે ચર્ચા થવા લાગી છે. યુવા નેતા પર પસંદગી ન મુકાય તો ફરી વખત શકિતસિંહ ગોહીલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા જેવા સીનીયર નેતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે. અલબત, ભુતકાળમાં તેમના કાર્યકાળમાં પણ કોંગ્રેસે પરાજય વેઠવો જ પડયો હતો. સીધો લોકસંપર્ક મેળવવા તેઓએ પણ મહેનત કરવી પડે તેમ છે.પાર્ટી સુત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ પાસે પસંદગીનાં વિકલ્પ ઓછા છે જયારે નિર્ણય લેવાનું કપરૂ છે. 2022 ની ચૂંટણી પૂર્વે જ્ઞાતિ-પ્રદેશ સમીકરણોને ધ્યાને રાખીને નવો એજન્ડા નકકી કરવો પડે તેમ છે.હાર્દિક પટેલ ફાયરબ્રાડ નેતા છે. પરંતુ હવે પાટીદાર જ સામા થયા છે.એટલે તેની પસંદગી પણ પડકારરૂપ છે.