રાજકોટ પંચાયત પરિણામ: મતોના વિભાજને પક્ષો તો ઠીક, અસંતુષ્ટોના ગણિત પણ બગાડયા

03 March 2021 12:01 PM
Rajkot ELECTIONS 2021
  • રાજકોટ પંચાયત પરિણામ: મતોના વિભાજને પક્ષો તો ઠીક, અસંતુષ્ટોના ગણિત પણ બગાડયા

પરિણામના અનેક સૂચિતાર્થો: ભુપત બોદરને ત્રંબા ગામમાં સમર્થન ન મળ્યુ પરંતુ સમઢીયાળામાં મોટી લીડ નીકળી:પક્ષ-પલ્ટુઓને જાકારો, ત્રણેય પરાજીત:જસદણ-વીંછીયામાં કુંવરજી બાવળીયાના ગઢમાં ભાજપ માટે આંચકારૂપ પરિણામ: સાગઠીયા-મેતાલીયાના ગામોમાં પણ ખાધ

રાજકોટ તા.3
રાજકોટ જીલ્લા પંચાયત તથા 11માંથી 9 તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાવવા સાથે કોંગ્રેસને ધોબી પછડાટ મળી છે છતાં અનેકવિધ રાજકીય સૂચિતાર્થો પણ સામે આવ્યા છે. મતોના વિભાજનને કારણે પરિણામના ગણીત બદલાઈ ગયાનું સ્પષ્ટ થયું છે જ ઉપરાંત અમુક મંત્રીઓ-ધારાસભ્યોના વિસ્તારોમાં ઘટેલો જનાધાર સૂચક છે.રાજકોટ જીલ્લા પંચાયતની 36માંથી 25 બેઠકો ભાજપે જીતી છે. 2015ની ચૂંટણીમાં ભાજપને માત્ર બે જ બેઠકો હતી. પરંતુ આ વખતે મતદારોએ ફરી ભાજપ પર જ પસંદગી ઉતારી છે. રાજકોટ-ગોંડલ-જેતપુર તથા લોધીકા તાલુકા મોટાભાગે ભાજપની પડખે રહ્યા હતા. જસદણ-વીંછીયા વિરુદ્ધમાં ચાલ્યા હતા. પડધરી-ધોરાજી-ઉપલેટા જેવા તાલુકામાં મીકસ-અપ થયુ હતું.


રાજકીય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ભાજપ તરફી જુવાળ હકીકત હોવા છતાં બેઠકોમાં મોટો તફાવત મતોના વિભાજનને કારણે છે. રાજકોટ જીલ્લા પંચાયતની 36માંથી મોટાભાગની બેઠકોમાં આમ આદમી પાર્ટી તથા અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષો તો દર વખતે મેદાનમાં આવતા જ હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકોમાં 1000-2000 મતો મેળવી લીધા હતા. પેઢલા, સરપદડ જેવી બેઠકમાં તો 2700-2800 મતો આંચકી ગયુ હતું અને દેખીતી રીતે પરિણામમાં તેનો મોટો પ્રભાવ પડવાનું સ્વાભાવિક બની ગયુ હતું.


આ સિવાય નોંધપાત્ર બાબતોમાં કોંગ્રેસના નેતાઓના ગઢમાં ગાબડા પડયા જ હતા. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાના પત્ની તાલુકા પંચાયતની બેઠક પણ જીતી શકયા ન હતા. પડધરીના ધારાસભ્યપદે કોંગી ધારાસભ્ય લલીત કગથરા છે છતાં તાલુકાની બે પૈકી એક બેઠક ગુમાવી દેવી પડી છે. ગત ટર્મમાં ચૂંટાયેલા વિનુ ધડુક જેવા રીપીટ થયેલા સભ્યો જીતી શકયા નથી.ભાજપની વાત કરવામાં આવે તો સૌથી મોટો આંચકો જસદણ, વિંછીયા તાલુકામાં લાગ્યો છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનો ગઢ હોવા છતાં 8માંથી ભાજપને માત્ર ત્રણ જ બેઠક મળી શકી છે. રાજકોટ-4ના ધારાસભ્ય લાખા સાગઠીયા લોધીકાની બન્ને સીટ જીતાડી શકયા હોવા છતાં પોતાના ગામ ખીરસરાની તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસની જીત થઈ હતી. પડધરીમા પુર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાના ગામમાં ભાજપને ખાધ નીકળી હતી. આવા અનેક ઘટનાક્રમો વિશે નેતાગીરી રીપોર્ટ તૈયાર કરી જ રહી છે.


જીલ્લા પંચાયતના પ્રમુખપદના દાવેદાર ભુપત બોદરનો 5600 મતથી વિજય થયો હતો. આ બેઠકમાં નારાજ જુથ મેદાને હતી. રસપ્રદ વાત એ છે કે ત્રંબા ગામમાં ભુપત બોદરને મત મળ્યા ન હતા. પરંતુ સમઢીયાળા જેવા ગામમાંથી મોટી લીડ મળી હતી. વન-વે મતદાન થયાનું ચિત્ર હતું.પુર્વ ઉપપ્રમુખ પી.ડી.કિયાડાને ટીકીટ અપાઈ ત્યારે એક વર્ગ નારાજ થયો હતો. પરંતુ પી.જી.એ ત્રીજી વખત ચૂંટાઈને પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. રાજય સરકારે ભ્રષ્ટાચાર સુધી શાસનના ભૂતકાળમાં શ્રેણીબદ્ધ પગલા લઈને અભિયાન ઉપાડયુ ત્યારે પી.જી. તેમાં શિરમોર રહ્યા હતા. બેઠક જીતીને હરીફોને રાજકીય તમાચો ચોડી જ દીધો છે. ભાજપનું શાસન સ્પષ્ટ થઈ ગયુ હોવાથી હવે પ્રમુખ સહિતના હોદાઓ માટે લોબીંગ થવાની અટકળો છે.


Related News

Loading...
Advertisement