કોલકત્તા, તા.3
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. એકબાજુ તૃણમુલ કોંગ્રેસ મુખ્યમંત્રી મમતા બેનરર્જીને આગળ રાખીને ‘જનતા બંગાળની પુત્રીને ઈચ્છે છે’નો નારો બુલંદ કરી રહી છે તો ભાજપ પાસે મુખ્યમંત્રીપદ માટે હજુ સુધી કોઈ ચહેરો નથી. દરમિયાન ફરી એક વખત અટકળો વહેતી થઈ રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગૂલી 7 માર્ચે કોલકત્તાના બ્રિગેડ મેદાનમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાંસામેલ થઈ શકે છે. ચર્ચા તો એ વાતની પણ છે કે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ગાંગૂલી ભાજપમાં સામેલ થાય તેવી સંભાવના છે.
આવું પહેલી વખત નથી કે જ્યારે સૌરવ ગાંગૂલીના ભાજપમાં સામેલ થવાની અટકળો વહી રહી છે. આ પહેલાં પણ અનેક વખત આવી ચર્ચા જોર પકડી ચૂકી છે. મહિનાઓથી રાજકીય ગલિયારાઓમાં એ વાતની ચર્ચા છે કે સૌરવ ગાંગૂલીને ભાજપ પશ્ર્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી શકે છે. આ અટકળો વચ્ચે વડાપ્રધાન મોદીની રેલીમાં ગાંગૂલીની ઉપસ્થિતિ પર સૌની નજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય નેતા હંમેશાથી એવું કહેતાં આવ્યા છે કે બંગાળના મુખ્યમંત્રી કોઈ બંગાળી જ બનશે બહારના નહીં.
ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ ગાંગૂલીએ અમદાવાદના મોટેરામાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે આ ભવ્ય આયોજન માટે મોદી સરકારની પણ વાહવાહી કરી હતી. આ પહેલાં ગાંગૂલી વારંવાર ખંડન કરી ચૂક્યા છે કે તેમની ભાજપમાં જવાની કોઈ જ યોજના નથી. આ પહેલાં પાછલા વર્ષે ડિસેમ્બરમાં ગાંગૂલી જ્યારે પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડની મુલાકાત કરવા આવ્યા હતા ત્યારે પણ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળો વહેતી થઈ હતી.
અમિત શાહના પુત્ર અને બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે સૌરવ ગાંગૂલીના બહુ જ સારા સંબંધ છે. ગાંગૂલીના પત્ની ડોનાને કોલકત્તામાં દૂર્ગા પૂજા દરમિયાન ભાજપ મહિલા મોરચાના કાર્યક્રમમાં પરફોર્મ કરતાં જોવાયા હતા. ડોના ગાંગૂલી એક ક્લાસિકલ ડાન્સર છે. બીજી બાજુ ગાંગૂલી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે પણ ગાઢ સંબંધો છે. તૃણમુલ કોંગ્રેસ ગાંગૂલીને રાજકારણમાં ન આવવાની સલાહ આપી ચૂકી છે. વર્ષ 2015માં મમા બેનરજીએ જગમોહન ડાલમિયાનું સ્થાન સૌરવ ગાંગૂલીને આપ્યું હતું.