રૂપાણી-પાટીલનું કદ વધ્યુ: 2022 નો માર્ગ વધુ સરળ

03 March 2021 11:24 AM
ELECTIONS 2021 Gujarat
  • રૂપાણી-પાટીલનું કદ વધ્યુ: 2022 નો માર્ગ વધુ સરળ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને અનરાધાર સરેરાશ 53 ટકા મત, કોંગ્રેસને 40 ટકાથી પણ ઓછા : મતનો તફાવત 13 ટકા, બેઠકોનો તફાવત 80 ટકા: તમામ જીલ્લા પંચાયતો તથા 90 ટકા નગરપાલિકાઓમાં જીતથી સર્વત્ર કેસરીયો કબ્જો: વિકાસને વધુ વેગ આપવા સરકાર માટે માર્ગ વધુ મોકળો

રાજકોટ તા.3
ગુજરાતમાં કોર્પોરેશન પછી ગામડાઓમાં પણ કોંગ્રેસનાં સુપડાસાફ થઈ ગયા છે. ભાજપનો જનાધાર 50 ટકાથી વધી ગયો છે. જયારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસને મળેલા મતની ટકાવારી 40 ટકાથી પણ નીચે ઉતરી ગઈ છે.તમામ જીલ્લા પંચાયતો, 90 ટકા નગરપાલીકાઓ તથા 85 ટકાથી વધુ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન આવ્યાનો ગુજરાતનાં નજીકનાં રાજકીય ઈતિહાસનો આ કદાચ પ્રથમ રાજકીય ઘટનાક્રમ છે.


રાજયર ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનાં પરિણામોનો ફાઈનલ રીપોર્ટ જારી કરી દેવામાં આવ્યો છે જે અંતર્ગત તમામ 31 જીલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન આવ્યું છે. 231 માંથી 196 તાલુકા પંચાયતો પર ભાજપની જીત થઈ છે.81 નગરપાલીકામાંથી 74 ભાજપને મળી છે. 31 જીલ્લા પંચાયતની 979 બેઠકોમાંથી ભાજપને 800 તથા કોંગ્રેસને 169 બેઠકો મળી છે. ભાજપને કુલ 85,88,444 મળી અર્થાત 54.19 ટકા મત મળ્યા છે. જયારે કોંગ્રેસને 62,08,134 મત અર્થાત 39.17 ટકા મત મળ્યા હતા.


તાલુકા પંચાયતમાં 4771 બેઠકોમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 તથા આપને 31 બેઠકો મળી છે ભાજપને 52.27 ટકા 85,99,872 મત મળ્યા હતા. કોંગ્રેસને 38.82 ટકા 63,87,769 મત મળ્યા હતા. નગરપાલિકાઓમાં કોંગ્રેસનાં જનાધારમાં મોટુ ગાબડુ પડયુ હોય તેમ કુલ મતમાંથી માત્ર 29.9 ટકા 27,48,610 મત જ મળ્યા હતા. જયારે ભાજપને 52.7 ટકા-49,79, 271 મત મળ્યા હતા.


ગુજરાત કોંગ્રેસ મુક જેવી દશામાં આવ્યુ હોય તેમ રાજયમાં તમામ સાંસદો ભાજપનાં છે તેવી જ રીતે તમામ કોર્પોરેશન તથા જીલ્લા પંચાયતોમાં પણ ભાજપનું શાસન આવ્યું છે. મોટાભાગની નગરપાલિકા તથા તાલુકા પંચાયતો પણ ભાજપના કબ્જામાં પહોંચી છે.


ગુજરાતનાં છેલ્લા ટુંકાગાળામાં રાજકીય ઈતિહાસમાં ભાજપ માટે આ પરીણામ અભૂતપૂર્વ હોવાનો નિર્દેશ કરતા રાજકીય નિષ્ણાંતો એવો મત દર્શાવી રહ્યા છે કે પ્રવર્તમાન ટ્રેંડ જ યથાવત રહેવાના સંજોગોમાં આગામી વર્ષ 2022 ની ચૂંટણીમાં ભાજપ જીતનો નવો રેકોર્ડ સર્જી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમા મતદારો પર ભાજપનો વિકાસનો,મુદ્દો જ હાવી રહ્યાનું સ્પષ્ટ બની ગયુ છે. મોંઘવારી-બેરોજગારી, કિસાન આંદોલન જેવા પ્રશ્ર્નોને મતદારોએ સહજ અને ગૌણ ગણ્યા છે.


ભાજપ માટે અભૂતપૂર્વ વિજયને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહીતના નેતાઓનું પાર્ટીમાં કદ વધવાનું પણ સ્પષ્ટ છે.શાસન વિરોધી કોઈ પરિબળ ન હોવાનું સાબીત થઈ ગયુ છે અને સરકારની વિકાસ યાત્રામાં જ સહભાગી થવાનો મતદારોએ મિજાજ દર્શાવ્યો હોવાનું ચિત્ર ઉપસ્યુ છે.હવે આવતા વર્ષની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તથા જીતનો નવો રેકોર્ડ સર્જવાનાં ઈરાદાથી સરકાર વિકાસ કામો-યોજનાઓને વધુ વેગ આપવાનું સ્પષ્ટ છે.


Related News

Loading...
Advertisement