કોરોના રસીના બે ડોઝ લીધા, શરીરમાં એન્ટીબોડી પણ બન્યા, છતાં હેલ્થ વર્કરને કોરોના થયો : ડોકટરો હેરાન

02 March 2021 10:08 PM
India
  • કોરોના રસીના બે ડોઝ લીધા, શરીરમાં એન્ટીબોડી પણ બન્યા, છતાં હેલ્થ વર્કરને કોરોના થયો : ડોકટરો હેરાન

શુ આ વાયરસ કોઇ બીજા સ્ટ્રેનનો તો નથી ને? તબીબી જગતમાં ચિંતા : પરિક્ષણ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

ભોપાલ/મધ્યપ્રદેશ:
હાલ દેશમાં કોરોના વિરોધી રસી મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી સ્થિત એઇમ્સ ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, ત્યારે મધ્યપ્રદેશથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક હેલ્થ વર્કરે કોરોના રસીના બે ડોઝ લીધા પછી શરીરમાં એન્ટીબોડી પણ બન્યા, છતાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ડોકટરો પણ હેરાન થઈ ગયા છે.

કોરોના રસીકરણ અભિયાન વચ્ચે મધ્યપ્રદેશના ધારથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક મહિલા આરોગ્ય કર્મચારીને રસીના બંને ડોઝ લીધા પછી પણ કોરોના ચેપ લાગ્યો હતો. શરીરમાં એન્ટિ બોડી લેવલ પણ સારા જોવા મળ્યાં છે, ચેપ લાગ્યાં પછી ડોકટરો પણ ચિંતિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારના 30 વર્ષીય મહિલા આરોગ્ય કાર્યકર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે 17 જાન્યુઆરીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 22 ફેબ્રુઆરીએ બીજો ડોઝ લીધો હતો. તેમની તબિયત લથડતા 26 ફેબ્રુઆરીએ તેમનો કોરોના ટેસ્ટ થતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમના અન્ય સ્વાસ્થ્ય અહેવાલો સામાન્ય છે.

આ બાદ ડોકટરોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, મહિલા આરોગ્ય કાર્યકર દ્વારા રસીના બન્ને ડોઝ લીધા પછી તપાસ કરતા તેણીના શરીરમાં એન્ટિ બોડીનું સ્તર પણ સારું છે. પેથોલોજીસ્ટ ડો.અનિલ વર્માએ કહ્યું કે, આ એક અનોખો કિસ્સો છે. કોઈ પણ વ્યક્તિમાં એન્ટિબોડીઝ અને કોરોના સંક્રમણ મળવું આશ્ચર્યજનક છે. ડો.વર્માએ આશંકા વ્યક્ત કરી છે કે, શુ આ વાઇરસનો બીજો કોઈ સ્ટ્રેન તો નથીને? જેથી પોઝિટિવ આવેલા મહિલા આરોગ્ય કર્મચારીના સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement