મોદીના વતનથી લઈ પરેશ ધાનાણીના ગઢ સુધીમાં આમ આદમી પાર્ટીએ ‘ખાતા’ ખોલાવ્યા: 46 બેઠકો પર વિજય

02 March 2021 05:20 PM
ELECTIONS 2021 Saurashtra
  • મોદીના વતનથી લઈ પરેશ ધાનાણીના ગઢ સુધીમાં આમ આદમી પાર્ટીએ ‘ખાતા’ ખોલાવ્યા: 46 બેઠકો પર વિજય

સુરત મહાપાલિકા બાદ સૌરાષ્ટ્રમાં પણ ‘આપ’ની એન્ટ્રી:તાલુકા પંચાયતોની બેઠકો જીતી ગ્રામીણ ક્ષેત્રોમાં ‘આપ’ને માન્યતા: સૌરાષ્ટ્રમાં કાલાવડ-અમરેલીમાં જીત: કેજરીવાલ માટે નવો ઉત્સાહ

રાજકોટ: ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીએ સુરતની મહાપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. હવે પંચાયતમાં પણ પક્ષે કાઠું કાઢયું છે અને તાલુકા પંચાયત તથા નગરપાલીકાની 8થી10 બેઠકો પર ‘આપ’ના ઉમેદવાર વિજેતા બન્યા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે તાલુકા પંચાયત તથા નગરપાલીકાની 46 બેઠકોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે અથવા તો જીતી ગયા છે. આમ ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રમાં પણ ધમાકા સાથે એન્ટ્રી કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં તાલુકા પંચાયતમાં ભાજપ વિજેતા બન્યું છે પણ અહી આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે અને એક બેઠક ‘આપ’ને ફાળે ગઈ છે. બીજી તરફ કાલાવડ તાલુકાના બેરજામાં ‘આપ’ના એક ઉમેદવાર જીત્યા છે.

ઝાલોદ તાલુકા પચાયતની ચોબા બેઠક પર પણ આમ આદમી પાર્ટીને સફળતા મલી છે. પેટલાદ નગરપાલીકાના વોર્ડ નં.1માં ‘આપ’ના એક ઉમેદવાર જીત્યા છે તો કોંગ્રેસના ગઢ જેવા અમરેલી જે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો વતન જીલ્લો છે ત્યાં ધારી તાલુકા પંચાયતના ભાડેરમાં આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર જીત્યા છે. ગાંધીધામની બારીરોહર તાલુકા પંચાયત બેઠક આમ આદમી પાર્ટીએ કબ્જે કરી છે. વિજયનગર તા.પંચાયતની કણોદર બેઠક પર પણ ભાજપ પાસેથી આમ આદમી પાર્ટીએ ખુંચવી લીધી છે. હજુ વધુ પરિણામો આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર, ઉતર અને મધ્ય ગુજરાતમાં તેના પ્રતિનિધિત્વ ધરાવતું હશે.


Related News

Loading...
Advertisement