કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ-સંબંધીઓ-વર્તમાન ધારાસભ્યની કારમી હાર

02 March 2021 05:15 PM
ELECTIONS 2021 Gujarat Politics
  • કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ-સંબંધીઓ-વર્તમાન ધારાસભ્યની કારમી હાર

પરેશ ધાનાણી, અમિત ચાવડા, વિક્રમ માડમ, ભરતસિંહ સોલંકીના ગઢમાં ગાબડા:પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો

રાજકોટ, તા.2
રાજ્યમાં જિલ્લા - તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી યોજાઈ હતી. જેમાં મોટા ગજાના નેતાઓના પુત્રોએ પણ હારનો સ્વાદ ચાખ્યો છે. ગત ટર્મમાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં કોંગ્રેસના ઉમેદવારોને મોટી પછડાટ મળી છે. કોંગી ધારાસભ્યોના પુત્રો પણ હારનો સ્વાદ ચાખ્યો હતો.કોંગી ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે વડત્રા બેઠકના ઉમેદવાર હતા જેમનો કારમો પરાજય થયો છે. સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્ર તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા તેમનો પણ પરાજય થયો છે.

સાબરકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલ પણ વિજયનગર તાલુકા પંચાયતમાંથી પરાજિત થયા છે. અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીની હાર થઈ છે. જ્યાં આપના ઉમેદવાર વિજયી થયા છે. તેમજ ધાનાણીના ગઢમાં ગાબડું પાડ્યું હોય તેમ ધારીની ભાડેર બેઠક પર આપના ઉમેદવારની બે મતે જીત થઈ છે. આ ઉપરાંત અમરેલી નગરપાલિકામાં 44માંથી રર બેઠક પર ભાજપનો જીત નિશ્ર્ચિત થયો છે. પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે નગરપાલિકા વોર્ડ નં.3 અને પમાં ઉમેદવારી નોંધાવી હતી

પરંતુ બંને બેઠકો પર હાર્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાના ભાઇ રામદેવ મોઢવાડીયા પોરબંદર તાલુકા પંચાયતની બેઠક પરથી હાર્યા, તારાપુર કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના પુત્ર વિજય પરમાર હાર્યા. આ જ રીતે દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ ના સગાસંબંધીઓને ભુંડા પરાજયનો સામનો કરવો પડયો હતો.2015માં ભાજપે ફકત આઠ જ જિલ્લા પંચાયતો જીતી હતી આ જ વખતે 31માંથી મોટા ભાગની જિલ્લા પંચાયતો કબ્જે કરી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં ભાજપ જીત તરફ છે તો ત્યારે આણંદ, સાબરકાંઠા, જામનગર જિલ્લામાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે જેમાં તેઓએ એક પણ બેઠક જીતી શકી નથી.


Related News

Loading...
Advertisement