જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ ‘આપ’નો ઉદય

02 March 2021 02:03 PM
Rajkot ELECTIONS 2021 Saurashtra
  • જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ ‘આપ’નો ઉદય

કાલાવડ, ધારી, બીલખા બેઠક પર વિજય : પોરબંદર-છાંયા પાલિકામાં ભાજપ : સોરઠમાં કોંગ્રેસની પણ ટક્કર : અમરેલી પાલિકામાં કમળ

રાજકોટ તા.2
સૌરાષ્ટ્રમાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીમાં પ્રારંભે અનેક જિલ્લા તાલુકા, પાલિકાઓમાં કમળનું જોર દેખાઇ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સ્પર્ધામાં ભાવનગર, જામનગર, કાલાવડ, જૂનાગઢની બીલખા બેઠક પર આપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. તો ધારી તા.પંચાયતની ભાડેર બેઠક ઉપર આપના મહિલા ઉમેદવાર અને લાઠી તા.પંચાયતની શાખપુર બેઠક પર અપક્ષ જીત્યા છે. અમરેલી, જૂનાગઢ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જવુ ચિત્ર કેટલીક બેઠક પર છે.

જામનગર
કાલાવડ તાલુકા પંચાયતની બેઠક પર ‘આપ’ના ઉમેદવારનો વિજય થયો છે. પોરબંદર નગરપાલિકાની 11 બેઠક પર ભાજપનો વિજય થયો છે. પોરબંદર જિલ્લાની છાંયા નગરપાલિકાની આઠ બેઠક પર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે.

ગાંધીધામ
નગરપાલિકાના વોર્ડ નં.1ની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ભચાઉ તા.પંચાયતની આધોઇ બેઠક ભાજપે જીતી છે.

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કસોકસી જોવા મળેલ છે. રવિવારે સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીનું મતદાન યોજાયા બાદ આજે સવારથી ઉતેજના વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરીનાં સ્થળોએ મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરો અને પરિણામ જાણવા ઉત્સુક મતદારો ઉમટી પડતાં લોક મેળા જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું. આ ચૂંટણીનાં સત્તાવાર પરિણામ મોડેથી જાણ થશે. હાલ પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક પર હજુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચાખેંચી રહી છે. દરમ્યાન બીલખા બેઠક પર આપ 4 મતથી અને અગતરાય બેઠક પર કોંગ્રેસ વિજેતા થયુ જાણવા મળેલ છે.

અમરેલી
બાબરા વોર્ડ નં.1માં ભાજપ પેનલના ધમાભાઇ વાવડીયા, બાવકુભાઇ બસીયા, પ્રતિક્ષાબેન તૈયાર, જીજ્ઞાસાબેન સકોરીયા વિજેતા જાહેર થયા છે.
કુંકાવાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં ઉમેદવાર જયશ્રીબેન વાળા વિજેતા, ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર રેખાબેન સવજીભાઇ પરમારનો માત્ર બે મતથી વિજય ભાજપની સૌથી સિકયોર સીટ પર આપનો વિજય થતા ભાજપ-કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે. અમરેલી નગરપાલિકા વોર્ડ નં.1માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઇ છે. કુંકાવાવ તા.પં.ની બાંભણીયા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન વાળા વિજેતા જાહેર થયા છે. લાઠી તા.પં.ના શાખપુર બેઠકમાં અપક્ષ ઉમેદવાર ભનુબેન બાબુભાઇ ખુમાણ 26 મતે વિજેતા જાહેર થયા છે. રાજુલા તા.પં.કડીયાળી સીટમાં ભાજપ ઉમેદવારનો 346 મતથી અને કોવાયા સીટમાં કોંગ્રેસ ઉમેદવાર 403 મતથી વિજેતા જાહેર થયેલ છે.

ભાવનગર જિલ્લામાં આપની એન્ટ્રી
આમ આદમી પાર્ટી (આપ)એ ભાવનગર જિલ્લામાં પ્રવેશ કર્યો છે. ભાવનગર તાલુકા પંચાયત જેસર-1 અને જેસર-2માં આપના ઉમેદવારની જીત થઇ છે. આમ આપએ ભાવનગર જિલ્લામાં જીતની શરૂઆત કરી છે.

જામનગર જિ.પં. અને છ તા.પંચાયતમાં ભાજપ આગળ : સીક્કામાં પંજાનું જોર : કાલાવડમાં ‘આપ’એ ખાતુ ખોલ્યું
હાલારમાં સવારે એકંદરે ભાજપ આગળ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરૂ થયેલી મતગણતરીનો ટ્રેન્ડ જોતાં જિલ્લા પંચાયતમાં ભાજપનું પલડું ભારે રહ્યું છે અને શરૂઆતમાં જ ત્રણ બેઠક ઉપર ભાજપનો કેસરિયો લહેરાયો છે. જ્યારે સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો ફરી પડે તેવી સ્થિતિનો ટ્રેન્ડ જળવયો છે.

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક અને છ તાલુકા પંચાયતની 128 તેમજ સિક્કા નગરપાલિકાની 28 બેઠક અને જામજોધપુર નગરપાલિકાની એક વોર્ડની પેટાચૂંટણીની મતગણતરી સવારે 9:00 વાગ્યાથી જ શરૂ થઇ હતી. આ મતગણતરી તાલુકા કક્ષાએ તેમજ સિક્કામાં અને જામજોધપુર ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રારંભે જ ભાજપે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો કબ્જે કરીને જીતના શ્રીગણેશ કર્યા હતાં.

જ્યારે જામજોધપુર નગરપાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. જિલ્લા પંચાયતની કાલાવડ તાલુકાના નવાગામની બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પત્ની ગોમતીબેન ચાવડાનો વિજય થયો હતો. ખંઢેરાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો તે જ રીતે જામજોધપુર તાલુકાની ગીંગણીની બેઠક ઉપરથી ભાજપના અનુસૂચિત આદી જાતિના મહિલા ઉમેદવાર મયબેન ગલાભાઇ ગલચરનો વિજય થયો હતો.

આમ જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરીના પ્રારંભે આમ આદમી પાર્ટીના ઉમેદવારે કાલવડ તાલુકા પંચાયતમાં પ્રથમ બેઠક મેળવી છે. આમ ગ્રામ્ય કક્ષાએ આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો છે. ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર, કાલાવડ, જામનગર તાલુકા પંચાયતમાં મત ગણતરીના ટ્રેન્ડમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યાં છે.

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઇ રાઠોડ (આહિર)નો અલિયાની બેઠક ઉપરથી પરાજય થયો હતો. તેની સામે ભાજપના કમલેશભાઇ નારણભાઇ ધમસાણિયાનો વિજય થયો હતો. જ્યારે સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ટ્રેન્ડ સારો રહ્યો છે અને સિક્કા નગરપાલિકામાં ભાજપને વધુ બેઠક મળે તેવા સંકેતો મળી રહ્યાં છે.


Related News

Loading...
Advertisement