અમદાવાદ તા.2
કેન્દ્ર સરકારનાં બજેટમાં સોનાની આયાત જકાતમાં ઘટાડો થવાને પગલે સોની વેપારીઓને બુસ્ટરડોઝ મળ્યો છે. સોનાની રીટેઈલ ડીમાંડમાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે અને તેને પગલે આયાત પણ વધવા માંડી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં 3.78 ટન સોનાની આયાત થઈ હતી તે જાન્યુઆરી માસમાં માત્ર 1.31 ટન હતી.જવેલર્સોનાં કહેવા પ્રમાણે ભાવ ઘટાડા ઉપરાંત લગ્ન ગાળાને કારણે સોનાની રીટેઈલ ડીમાંડમાં વૃધ્ધિ થઈ છે. આવતા બે મહિનામાં સારો લગ્નગાળો છે ભાવ નીચા હોવાથી અત્યારથી જ એક વર્ગ ખરીદી કરવા લાગ્યો છે. આવતા દિવસોમાં લગ્ન ગાળા પૂર્વેની ખરીદી વધી શકે છે. આ સિવાય કોરોના કાબુમાં આવવા લાગ્યો હોવાથી નિયંત્રણો હળવા થવા સાથે વિવિધ કાર્યક્રમોને વધુ છુટછાટો મળવા લાગવાની પણ માર્કેટ પર અસર છે. ધામધુમથી લગ્ન કરવાનો ટ્રેંડ ફરી શરૂ થઈ ગયો છે. પરિણામે દેખીતી રીતે સોનાની ડીમાંડ વધવા લાગી છે.
જવેલર્સોનાં કહેવા પ્રમાણે સોનાના ભાવ 48000 પણ નીચે આવી ગયા છે. ડીમાંડ વૃધ્ધિમાં નીચા ભાવે મોટો ભાગ ભજવ્યો છે. સોના માટે લોકો બજેટ નિશ્ર્ચિત કરતા હોવા છતાં અગાઉ કરતા વધુ સોનું ખરીદ થાય છે. જુનુ સોનુ પરત આપીને નવુ ખરીદવાનો ટ્રેંડ હજુ યથાવત હોવાને કારણે આયાતમાં બહુ મોટો વધારો થતો નથી છતા અગાઉનાં મહિનાઓ કરતાં વૃધ્ધિ છે.ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં 3.78 ટનની આયાત છેલ્લા 15 મહિનાની સૌથી વધુ છે. આ પૂર્વે નવેમ્બર 2019 માં 4.54 ટનની આયાત થઈ હતી અને ત્યારબાદ તેમાં ઉતરોતર ઘટાડો થતો રહ્યો હતો.અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેકસના રીપોર્ટ પ્રમાણે 2020 માં 18.8 ટન સોનાની આયાત થઈ હતી તે અત્યાર સુધીની સૌથી ઓછી હતી. કોરોના કાળની અસર તથા નબળા સેન્ટીમેન્ટને કારણે આમ બન્યુ હતું. આ સમયગાળા દરમ્યાન ભાવ પણ ઉંચા હતા.