જૂનાગઢ સ્થા. જૈન સંઘમાં 41 સંત-સતીજીઓ સાથે રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજની મંગલ પધરામણી

01 March 2021 05:10 PM
Dharmik
  • જૂનાગઢ સ્થા. જૈન સંઘમાં 41 સંત-સતીજીઓ સાથે
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજની મંગલ પધરામણી

કરૂણા વિનાનું આત્મકલ્યાણ કદી સાર્થક ન થાય : પૂ. નમ્રમુનિ મ.

રાજકોટ, તા. 1
પ્રભુપુત્ર જેવું જીવન અને જવાબદારી નિભાવવાના પરમ બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 41 સંત-સતીજીઓના શ્રી જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘમાં થએલાં મંગલ પદાર્પણનો અવસર દરેક ભાવિકોને ધન્યતાની અનુભૂતિ કરાવી ગયો હતો.છેલ્લાં નવ નવ મહિનાથી ગિરનારની ધરા પર બિરાજમાન થઈને પ્રભુધર્મનો જયનાદ ગજાવી રહેલાં પરમ ગુરુદેવ, શ્રી જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘની ભાવભીની વિનંતિને લક્ષમાં રાખીને એક સાથે 41 સંત-સતીજીઓ સાથે શ્રી સંઘના આંગણે પધારતાં જ અત્યંત અહોભાવ અને અંતરના ઉમળકા સાથે સંયમી આત્માઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂજ્ય શ્રી સરલાબાઈ મહાસતીજીની મંગલ ઉપસ્થિતિ સાથે સમસ્ત સંઘના સેંકડો ભાવિકો ભક્તિભાવે ઉપસ્થિત રહ્યાં હતાં.


નાભિનાદ સાથે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવ્યાં બાદ આ અવસરે પરમ ગુરુદેવે મધુર શૈલીમાં બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે, આત્માને પરમાત્માના યોગની પ્રાપ્તિ પુણ્યના આધારે જ થતી હોય છે માટે જ દરરોજ સવારે સ્વયંના પુણ્યનું એનાલિસીસ કરતાં કરતાં પુણ્યબંધનું પ્લાનીંગ કરતાં રહીએ. આપણી આસપાસનાપુણ્યવિહિન પરિવારને ધર્મ સ્વજન બનાવીને આપણાં પુણ્યમાં એમને પણ ભાગીદાર બનાવીએ કેમકે, પ્રભુને યાદ કરતો એક પણ પરિવાર, કદી દુ:ખમાં કે મુંજવણમાં ન રહે એની જવાબદારી દરેક પ્રભુપુત્રની હોય છે.આત્મ કલ્યાણની સાધના સાથે હૃદયમાં જ્યારે અન્યના દુ:ખ પ્રત્યે કરૂણાનો ભાવ જન્મે છે ત્યારે તે સાધના સાર્થક બની જતી હોય છે. કરૂણાભાવ વિનાનું આત્મકલ્યાણ કદી સાર્થક નથી બનતું. પ્રભુના પુત્ર હોય એનું જીવન પણ પ્રભુ સમાન હોય અને એની જવાબદારીઓ પણ પ્રભુપુત્ર સમાન હોય. પોતાના સુખે જ સુખી થનારા આ જગતના અનેક સ્વાર્થી જીવો વચ્ચે જે અન્યના દુ:ખેદુ:ખી થઈને એના સુખનું નિમિત્ત બને છે તે પરમાર્થી હોય છે. પરમાર્થ કરીને પ્રભુપુત્ર બનવાની જવાબદારી જે નિભાવે છે એને ભવોભવ પ્રભુપુત્ર બનાવવાની જવાબદારી સ્વયં એના પુણ્ય નિભાવી લેતાં હોય છે. પરમ ગુરુદેવની મનનીય વાણીધારા સાથે જ આ અવસરે ડો. પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી, નૂતનદીક્ષિત પૂજ્ય શ્રી પરમ ઋજુમિત્રાજી મહાસતીજી તેમજ પૂજ્ય શ્રી પરમ ઋષિમિત્રાજી મહાસતીજીએ સુંદર ભાવોની અભિવ્યક્તિ કરીને ઉપસ્થિત સહુને ધર્મપ્રેરણા આપતાં સહુ પ્રેરિત થયાં હતાં.


સંઘપ્રમુખ લલીતભાઈ દોશી, પ્રોફેસર વજુભાઈ દામાણી સાહેબ તેમજ સુરેશભાઈ કામદારે પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ અને ઉપકારભાવની અભિવ્યક્તિ કરી હતી. શ્રી સંઘ તરફથી કરવામાં આવેલી આગામી ચાતુર્માસની ભાવભીની વિનંતિનો સ્વીકાર કરીને વર્ષ 2021 ના ડો. પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ ઠાણાઓના ચાતુર્માસની ઘોષણા થતાં સહુએ હર્ષનાદથી વધાવી લીધી હતી. શ્રી સંઘમાં અનન્ય સેવા પ્રદાન કરી રહેલાં નવા નિયુક્ત કરેલાં પદાધિકારીઓને નમસ્કારમંત્રની સુંદર ફ્રેમ અર્પણ કરીને એમની સંઘ સેવાભાવનાના બહુમૂલ્ય સન્માન કરવા સાથે આ અવસર ઉપસ્થિત દરેક ભાવિકો માટે ધન્ય અવસર બની ગયો હતો.

જૈન યુવક-યુવતી જોગ
જૈન અપરિણીત શ્રાવક/શ્રાવીકાઓ માટે બુકલેટના રૂપમાં પુસ્તક તદન વ્યાજબી ભાવેથી અપરણીત જૈન યુવક તથા યુવતીઓની એક જરુરી માહીતીની બુકલેટ બહાર પાડવામાં આવશે. ત્યારે વેવિશાળના કોરા ફોર્મ સંઘવી હોઝીયરી , એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટ પહેલા માળે , બી/6 ગણેશ પાનની ઉપર રાજકોટ ખાતેથી સવારે 11 થી 1 બપોરે 4 થી 10 સુધીમાં મેળવી લેવાના રહેશે.


Related News

Loading...
Advertisement